Featured|દેશદેશ

મંગલ પાંડેના પરિવારની પણ પ્રથમ પસંદ છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી

મંગલ પાંડેના પરિવારની પણ પ્રથમ પસંદ છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી

1858ના ભારતના પ્રથમ સ્વતંત્રતા સંગ્રામમાં હિરો રહેલા મંગલ પાંડેની પાંચમી પેઢી ઉત્તર પ્રદેશના બલિયામાં રહે છે. તેઓ ઈચ્છે છે કે દેશનું સુકાન ફરી એકવાર નરેન્દ્ર મોદી જ સંભાળે. એક જાણીતા અંગ્રેજી દૈનિકે પ્રકાશિત કરેલા સમાચારમાં આ પ્રમાણે જણાવવામાં આવ્યું છે.

બલિયામાં રહેતા સંતોષ કુમાર પાંડે અને પ્રભુનાથ પાંડે બંને ભાઈઓ છે અને તેમના કહેવા અનુસાર દેશમાં તેમજ ઉત્તર પ્રદેશમાં ભારતીય જનતા પાર્ટીની સરકારોએ ઉત્તમ કાર્ય કર્યું છે. તેમનું કહેવું છે કે ભાજપ સરકારની યોજનાથી જ તેમને ગેસ મળ્યો, વીજળી મળી, આ વિસ્તારના લોકોને આવાસ મળ્યા અને ખેડૂતોને પણ ફાયદો થયો છે. આટલું જ નહીં મોદી સરકારે પાકિસ્તાનને પણ પાઠ ભણાવ્યો છે. આ બંને ભાઈઓ એવું માને છે કે મોદી સરકાર દ્વારા સ્વતંત્રતા સેનાનીઓને જેટલું સન્માન મળ્યું તેટલું અગાઉ કોઈ સરકારે આપ્યું નથી. આ બંને એમ પણ માને છે કે દેશ નરેન્દ્ર મોદીના હાથમાં સુરક્ષિત છે.

આ બંને ભાઈઓનું કહેવું છે કે અગાઉ ઉત્તર પ્રદેશમાં દિવસમાં માત્ર ત્રણ થી ચાર કલાક જ વીજળી આવતી હતી પરંતુ યોગી સરકારના આવ્યા બાદ હવે અઢાર કલાક ઓછામાં ઓછી વીજળી રહે છે. આ ઉપરાંત તેમના વિસ્તારમાં માર્ગ વ્યવસ્થા તેમજ રેલવે સુવિધાઓમાં પણ મોટો સુધારો થયો છે.

સંતોષ કુમાર પાંડે બલિયામાં સ્કૂલમાં શિક્ષક છે અને તેમણે ઇન્દિરા ગાંધીએ લાદેલી 1975ની કટોકટીના વિરોધમાં પણ હિસ્સો લીધો હતો.