Featured|દેશદેશ

ઓછી ભીડ થવાના ભયથી પ્રિયંકાએ વારાણસી રોડ શોનો સમય ઘટાડી દીધો

ઓછી ભીડ થવાના ભયથી પ્રિયંકાએ વારાણસી રોડ શોનો સમય ઘટાડી દીધો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વારાણસીમાં પોતાનું ઉમેદવારી પત્ર ભરવાના એક દિવસ અગાઉ એક જંગી અને ભવ્ય રોડ શો આયોજીત કર્યો હતો. ગઈકાલે પ્રિયંકા વાડ્રાએ પણ કોંગ્રેસ ઉમેદવાર અજય રાયના સમર્થનમાં એક રોડ શો આયોજિત કર્યો હતો. પરંતુ આ રોડ શોમાં ધાર્યા કરતા ખુબ ઓછી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા.

એવું લાગે છે કે કોંગ્રેસને તેમજ તેના મહાસચિવ પ્રિયંકા વાડ્રાને આ પ્રકારનો ભય પહેલેથી જ સતાવી રહ્યો હતો. આ જ કારણ છે કે તેમણે છેલ્લી ઘડીએ રોડ શોનો સમય ઘટાડીને અડધો કરી નાખ્યો હતો. અગાઉ આ રોડ શો ત્રણ કલાકનો રાખવામાં આવ્યો હતો પરંતુ જ્યારે એવું લાગ્યું કે આ રોડ શોમાં બહુ ઓછા લોકો આવશે ત્યારે તેને ઘટાડીને દોઢ કલાકનો કરી દેવામાં આવ્યો હતો.

આ અગાઉ બે દિવસ અગાઉ મધ્ય પ્રદેશના ઉજ્જૈનમાં પણ પ્રિયંકા વાડ્રાએ રોડ શોમાં ભાગ લીધો હતો પરંતુ આ રોડ શોમાં અત્યંત પાંખી હાજરી જોવા મળી હતી. ખરેખર તો ઉજ્જૈનના જે માર્ગો પરથી આ રોડ શો નીકળ્યો હતો તે માર્ગો પર લોકો આરામથી અવરજવર કરી રહ્યા હતા અને પ્રિયંકા ગાંધી અને તેમના કાફલાએ રીતસર ગાડીઓ દોડાવી મૂકી હતી અને કોંગ્રેસ કાર્યકર્તાઓએ પાછળ પાછળ દોટ લગાવવી પડી હતી. લાગે છે કે ઉજ્જૈનની ઘટના પરથી ધડો લઈને જ પ્રિયંકા વાડ્રાએ પોતાના વારાણસીના રોડ શોનો સમય ઘટાડી દીધો હતો.

યાદ રહે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો વારાણસીનો રોડ શો ત્રણ કલાકનો નક્કી કરવામાં આવ્યો હતો પરંતુ તેમાં લગભગ ચાર લાખથી પણ વધુ લોકો એકઠા થઇ જતા તે ચાર કલાકથી પણ વધુ સમય ચાલીને ગંગા આરતી સાથે સંપૂર્ણ થયો હતો.