Featured|દેશદેશ

રાજસ્થાનના એક લગ્ન સંપૂર્ણ મોદીમય જોવા મળ્યા!

266views

ભારતની જનતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કેટલો આદર આપે છે અને પ્રેમ કરે છે તેનું એક ઉદાહરણ રાજસ્થાનમાં જોવા મળ્યું હતું. આમ તો છેલ્લા અમુક મહિનાઓમાં એવા ઘણા કિસ્સા જોવા મળ્યા છે જેમાં લગ્નની કંકોત્રીમાં જ મહેમાનોને નવદંપતીને ભેટ આપવાને બદલે નરેન્દ્ર મોદીને મત આપવાની અપીલ કરવામાં આવી હોય. પરંતુ રાજસ્થાનમાં આવેલા બ્યાવરના એક લગ્ન તો એકદમ મોદીમય થઇ ગયા હતા.

હાલમાં અજમેર જીલ્લામાં આવેલા બ્યાવરના નોંદરી ગામના શંકર રાવતની પુત્રીના લગ્ન હતા. અહીં કન્યાપક્ષનો તેમજ વરપક્ષનો મોદીપ્રેમ તેના ઉફાન પર જોવા મળ્યો હતો. લગ્નસ્થળની ચારે તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પોસ્ટર્સ લગાવવામાં આવ્યા હતા. મંડપની બિલકુલ વચ્ચે એક મોટો LED સ્ક્રિન લગાવવામાં આવ્યો હતો જેમાં સતત નરેન્દ્ર મોદીના ભાષણો પ્રસારિત થઇ રહ્યા હતા.

આ ઉપરાંત મંડપના ચાર ખૂણે પણ ડિસ્પ્લે સ્ક્રિન્સ મુકવામાં આવ્યા હતા જેમાં સતત મોદી સરકારની સ્વચ્છ ભારત અભિયાન, ઉજ્જવલા યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના જેવી અનેક યોજનાઓની વિગતવાર માહિતી એક પછી એક ડિસ્પ્લે થઇ રહી હતી.

ભોજન કરવાના સ્થળ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિશ્વના અનેક મહત્ત્વના આગેવાનો સાથે થયેલી મુલાકાતોના ફોટોગ્રાફ્સ હતા તો સર્જિકલ સ્ટ્રાઈક અને એરસ્ટ્રાઈકના ફોટો પણ હતા. એક ફોટો તો વિંગ કમાન્ડર અભિનંદન વર્તમાનનો પણ હતો.

આટલું જ નહીં બંને પક્ષના સભ્યોમાંથી કેટલાક સભ્યોના કપડાઓ પર મોદીની છબી પ્રિન્ટ થઇ હતી અને મંડપમાં લોકો ફિલ્મી ગીતો ઉપરાંત ‘મોદી મોદી’ ની ધૂન પર ડાન્સ પણ કરતા જોવા મળી રહ્યા હતા.