Featured|દેશદેશ

અમિત શાહે પશ્ચિમ બંગાળની ભયાવહ પરિસ્થિતિનું વર્ણન કર્યું

અમિત શાહે પશ્ચિમ બંગાળની ભયાવહ પરિસ્થિતિનું વર્ણન કર્યું

ગઈકાલે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહનો કોલકાતામાં રોડ શો હતો. આ રોડ શો દરમ્યાન અનેઅગાઉ શાસક TMCના ગુંડાઓ દ્વારા હિંસા ફેલાવવામાં આવી હતી. આજે નવી દિલ્હીમાં પાર્ટી મુખ્યાલય ખાતે અમિત શાહે પશ્ચિમ બંગાળની હાલની ભયાવહ પરિસ્થિતિનો ચિતાર આપ્યો હતો.

અમિત શાહે કહ્યું હતું કે તેમનો રોડ શો હજી તો શરુ થાય એ પહેલા જ ત્યાં લગાવવામાં આવેલા ભાજપના પોસ્ટરો ફાડી નાખવામાં આવ્યા હતા. તેમ છતાં રોડ શો તેના સમયે શરુ થયો અને અઢી કલાક સુધી કોઈજ તકલીફ ન પડી. આ રોડશોમાં અભૂતપૂર્વ જનસમુદાય ભેગો થયો હતો. ત્યારબાદ ત્રણ વખત તેના પર હુમલો કરવામાં આવ્યો હતો અને ત્રીજી વાર તો બોટલોમાં કેરોસીન ભરી ભરીને તેમાં આગ લગાવીને રોડ શો પર ફેંકવામાં આવી.

અમિત શાહે સ્પષ્ટ કહ્યું હતું કે જો ત્યાં સુરક્ષા માટે CRPFના જવાનો ન હોત તો તેમનું ત્યાંથી સુરક્ષિત બહાર આવવું અતિશય મુશ્કેલ હતું. અમિત શાહે મમતા બેનરજીના એ આરોપને પણ નકારી દીધો હતો જેમાં તેમણે કહ્યું હતું કે આ હિંસા ભાજપ દ્વારા આચરવામાં આવી હતી.

અમિત શાહે આ આરોપના જવાબમાં કહ્યું હતું કે તેઓ મમતા બેનરજીને કહેવા માંગે છે કે ભાજપ સમગ્ર દેશમાં ચૂંટણી લડી રહ્યું છે તેમની જેમ માત્ર બંગાળની 42 બેઠકો પર નહીં અને આ સમગ્ર છ તબક્કાઓમાં અન્યત્ર ક્યાંય આવી હિંસા નહોતી થઇ તો પછી બંગાળમાં જ કેમ? કારણકે તેને માટે TMC જવાબદાર છે.