Featured|દેશદેશ

કાશીની જનતાને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો વિડીયો સંદેશ

વારાણસીથી ઉમેદવારી પત્ર ભર્યા અગાઉ મોદીનો ભવ્ય રોડ શો

વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યાંથી લોકસભાની ચૂંટણી લડી રહ્યા છે તે વારાણસી એટલેકે કાશીની જનતા માટે તેમણે આજે એક વિડીયો સંદેશ મોકલ્યો છે. આ વિડીયો સંદેશમાં વડાપ્રધાન મોદીએ છેલ્લા પાંચ વર્ષમાં વારાણસીમાં થયેલા વિકાસ અને તે અંગેની યોજનાઓની રૂપરેખા આપી હતી. વડાપ્રધાને ઉમેર્યું હતું કે તેમના માટે વારાણસીનો અનુભવ અત્યંત મહત્ત્વનો છે.

તેમણે જણાવ્યું હતું કે તમે મને એટલું બધું આપ્યું છે કે મારાથી તેની ગણતરી થઇ શકે તેમ નથી. તમે જાણો જ છો કે આપણે હવે શું કરવાનું છે અને શું નથી કરવાનું. આપણે ભેગા મળીને હવે વિકાસને ગતિ આપવાની છે. કાશીવાળાને બધીજ ખબર છે.

વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે છેલ્લા પાંચ વર્ષમાં થયેલા વિકાસથી અને તેની યોજનાથી કાશીમાં વસતા સમાજના દરેક વર્ગને ફાયદો પહોંચ્યો છે. કાશીએ મારું જીવન ધન્ય કરી દીધું છે અને કાશી પર બાબા વિશ્વનાથની કૃપા વરસી રહી છે અને મારા રોમ રોમમાં કાશી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે તેઓને કાશી પર કવિતા લખવી હતી પરંતુ તેઓ આટલું જ લખી શક્યા કે, “પુરાતન, પુનીત, પરિમલ કાશી અડિગ અપ્રતિમ અવિરલ કાશી, નિરંતર, નિર્વિઘ્ન નિર્મલ કાશી વિશિષ્ટ વિકસિત વિમલ કાશી.”

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ છેલ્લે કહ્યું હતું કે કાશીમાં રહેલી આધ્યાત્મિકતાના વખાણ વિદેશી રાષ્ટ્રપતિઓ પણ કરતા હોય છે.