Featured|દેશદેશ

મમતાની દાદાગીરી; અમિત શાહને હેલિકોપ્ટર લેન્ડ કરવાની અને રોડ શોની મંજૂરી ન આપી

પશ્ચિમ બંગાળમાં અત્યારસુધીમાં પૂર્ણ થયેલા તમામ 6 તબક્કાના મતદાનમાં ખૂબ હિંસા થઇ છે. તો બીજી તરફ અહીંના મુખ્યમંત્રી મમતા બેનરજીની દાદાગીરી હદથી બહાર વધી રહી છે. 19 મે ના દિવસે લોકસભાની ચૂંટણીનું સાતમું અને અંતિમ તબક્કાનું મતદાન થવાનું છે. આ માટે ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ અમિત શાહની આજે 12.30 વાગ્યે જાદવપુરમાં રેલી હતી પરંતુ પશ્ચિમ બંગાળ સરકારે અમિત શાહના હેલિકોપ્ટરને લેન્ડ કરવાની મંજૂરી પાછી ખેંચી લીધી છે.

મળતા સમાચાર અનુસાર અગાઉ આ રેલી માટે હેલિકોપ્ટરને ઉતરવાની મંજૂરી આપવામાં આવી હતી, પરંતુ અચાનક જ થોડા કલાક અગાઉ આ મંજૂરીને પરત ખેંચી લેવામાં આવી છે. રેલી બાદ અમિત શાહ જાદવપુરમાં એક રોડ શો પણ કરવાના હતા તેને પણ મમતા બેનરજી સરકારે મંજૂરી આપી નથી. અત્રે એ નોંધવું જરૂરી છે કે થોડા દિવસ અગાઉ જ મમતા બેનરજીએ નરેન્દ્ર મોદી અને અમિત શાહ વિરુદ્ધ ઈંચે ઇંચનો બદલો લેવાની ધમકી આપી હતી.

અગાઉ જ્યારે હજીતો લોકસભાની ચૂંટણીની આધિકારિક ઘોષણા પણ નહોતી થઇ ત્યારે પણ મમતા બેનરજીની સરકારે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના હેલિકોપ્ટરને અપાયેલી મંજૂરી પરત ખેંચી દેતા તેમની સભા કેન્સલ કરવી પડી હતી. ત્યારબાદ યોગી મોટરમાર્ગે પશ્ચિમ બંગાળ ગયા હતા અને રેલી સંબોધિત કરી હતી.