Featured|દેશદેશ

ઇન્ડિયન એરફોર્સને મળ્યું તેનું પ્રથમ અપાચે હેલિકોપ્ટર

ઇન્ડિયન એરફોર્સને મળ્યું તેનું પ્રથમ અપાચે હેલિકોપ્ટર

ગઈકાલે અમેરિકાના એરિઝોનામાં આવેલા પ્રોડક્શન ફેસિલિટી સેન્ટરમાં ભારતીય વાયુસેનાએ પ્રથમ અપાચે હેલિકોપ્ટર પ્રાપ્ત કર્યું હતું. આ હેલિકોપ્ટરને એર માર્શલ એ એસ બુટોલાએ ભારતીય વાયુસેનાનું પ્રતિનિધિત્વ કરતા પ્રાપ્ત કર્યું હતું. અપાચે હેલિકોપ્ટર ભારતીય વાયુસેનામાં સામેલ થવાને લીધે હવે સરહદ પર ભારતીય સેના વધુ સારી રીતે નજર રાખી શકશે. આ ઉપરાંત સંકટના સમયમાં આ હેલિકોપ્ટર તુરંત મદદમાં આવી શકશે.

નરેન્દ્ર મોદી સરકારે સત્તા સંભાળ્યાના તુરંત બાદ 15 ચિનૂક અને 22 અપાચે હેલિકોપ્ટર ખરીદવા માટેની વાતચીત શરુ કરવામાં આવી હતી. ત્યારબાદ ભારત અને અમેરિકન સરકાર વચ્ચે 3 બિલીયન ડોલરનો કરાર કરવામાં આવ્યો હતો. અમેરિકા આવનારા ત્રણ થી ચાર વર્ષમાં આ તમામ હેલિકોપ્ટરો ભારતને સોંપશે. અપાચે હેલિકોપ્ટરની આ પ્રથમ ડિલીવરી હતી જ્યારે ભારતે પ્રથમ ચિનૂક હેલિકોપ્ટર બે મહિના અગાઉ જ મેળવી લીધું હતું.

અપાચે હેલિકોપ્ટર વધુમાં વધુ 280 કિમી પ્રતિ કલાકની ઝડપે ઉડી શકે છે અને તેને રડારમાં પકડવું મુશ્કેલ છે. આ ઉપરાંત તે એક સાથે 16 એન્ટી ટેન્ક મિસાઈલ્સ લઇ જઈ શકે છે અને તેને છોડી પણ શકે છે જેથી તેને વિશ્વના સહુથી ખતરનાક હેલિકોપ્ટરોમાંથી એક ગણવામાં આવે છે.

આ ઉપરાંત અપાચે હેલિકોપ્ટરની નીચે એક રાઈફલ પણ લગાવવામાં આવી છે જેમાં 30MMની 1200 ગોળીઓ ભરી શકાય છે. અપાચે હેલિકોપ્ટરની ફ્લાઈંગ રેન્જ 550 કિમીની છે અને તે એક સાથે પોણા ત્રણ કલાક ઉડી શકે છે. હેલિકોપ્ટર સાથે હેલીફાયર અને સ્ટ્રીંગર મિસાઈલની સાથે બંને તરફ 30MMની બે ગન લગાવવામાં આવી છે.