Featured|ગુજરાતગુજરાત

અમદાવાદ અને કંડલા વચ્ચે એર સર્વિસ શરુ થશે

અમદાવાદ અને કંડલા વચ્ચે એર સર્વિસ શરુ થશે

કેન્દ્ર સરકારની મહત્ત્વકાંક્ષી યોજના UDAN (ઉડે દેશ કા આમ નાગરિક) હેઠળ હવે દેશભરમાં નાના કેન્દ્રોને પણ હવાઈ સેવાથી આવરી લેવામાં આવ્યા છે. આવું જ એક કેન્દ્ર છે કંડલા. હવે આવતા અઠવાડિયાથી કંડલા અને અમદાવાદ વચ્ચે દરરોજની એક ફ્લાઈટ શરુ કરવામાં આવનાર છે.

ટ્રુ જેટ દ્વારા હવેથી અમદાવાદ અને કંડલા ઉપરાંત પોરબંદર, નાસિક, ઇન્દોર અને જેસલમેર જેવા નાના કેન્દ્રો માટે એર સેવા શરુ કરવામાં આવી છે. આવનારી 15મી મે થી દરરોજ બપોરે અમદાવાદથી 2.50 વાગ્યે કંડલાની ફ્લાઈટ ઉડાન ભરશે અને તે 3.45 વાગ્યે કંડલા ઉતરાણ કરશે. આ જ ફ્લાઈટ કંડલાથી સાંજે 4.05 વાગ્યે ઉડાન ભરીને અમદાવાદ સાંજે 5.00 વાગ્યે પહોંચશે.

અમદાવાદ આવ્યા બાદ આ જ ફ્લાઈટ ઇન્દોર જવા માટે રવાના થશે. આમ કંડલાથી ઇન્દોર જનારા પ્રવાસીઓને આ એક જ ફ્લાઈટનો લાભ મળશે.

કેન્દ્ર સરકારની UDAN યોજના હેઠળ નાની મોટી તમામ એરલાઇન્સ કંપનીઓને ઓછા વપરાશ થતા અથવાતો ઓછી સર્વિસ ધરાવતા નાના કેન્દ્રોના એરપોર્ટ્સથી પોતાની સર્વિસ ચલાવવા રૂટ દીઠ માટે ત્રણ વર્ષના એકાધિકાર આપવામાં આવે છે. આ યોજના હેઠળ 500 થી 1000 કિલોમીટરના અંતર માટે રૂ. 2500ની ફિક્સ ટિકિટ પણ રાખવામાં આવી છે.