Featured|દેશદેશ

તો પાકિસ્તાન પાણીના એક એક ટીપાં માટે તરસ્યું રહેશે: ગડકરી

તો પાકિસ્તાન પાણીના એક એક ટીપાં માટે તરસ્યું રહેશે: ગડકરી

ગઈકાલે કેન્દ્રીયમંત્રી નીતિન ગડકરી લોકસભાની ચૂંટણીના પ્રચાર માટે પંજાબની યાત્રાએ હતા. અહીં તેઓએ ચંડીગઢ પાસે આવેલા મોહાલીમાં તેમજ અમૃતસર અને લુધિયાણામાં પણ વિશાળ જાહેરસભાઓને સંબોધિત કરી હતી. જળ સંસાધન વિકાસ મંત્રી નીતિન ગડકરીએ અમૃતસરની પોતાની સભામાં પાકિસ્તાનને સાનમાં સમજી જવાની ચેતવણી આપી હતી.

ગડકરીએ પાકિસ્તાનને કહ્યું હતું કે જો તે પોતાને ત્યાં ચાલી રહેલા આતંકવાદી ઠેકાણાંઓ સામે યોગ્ય કાર્યવાહી નહીં કરે તો ભારતમાંથી પાકિસ્તાન વહેતી નદીઓનું પાણી અમે બંધ કરી દઈશું. નીતિન ગડકરીએ કહ્યું હતું કે ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલી જળ સંધી અનુસાર ભારતમાંથી ત્રણ નદીઓનું પાકિસ્તાન વહી રહ્યું છે તેને અમે રોકવા માંગતા નથી. પરંતુ આ સંધી બંને દેશો વચ્ચે શાંતિપૂર્ણ સંબંધો અને મૈત્રી જળવાય તે માટે કરવામાં આવ્યા હતા જે હવે રહી નથી. આ પાછળ કારણ છે કે પાકિસ્તાને આતંકવાદને પોતાને ત્યાં પનાહ આપીને કરારનો ભંગ કર્યો છે અને આથી અમે પણ આ સંધી માનવા માટે હવે બંધાયેલા નથી.

નીતિન ગડકરીએ ઉમેર્યું હતું કે પાકિસ્તાન દ્વારા આતંકવાદને સતત અપાતા સમર્થનને જો તે નહીં અટકાવે તો ભારત પાસે ત્રણ નદીઓનું પાણી રોકી દેવા સિવાય અન્ય કોઈજ ઉપાય નહીં રહે. સરકારે આંતરિક રીતે આ અંગે મૂલ્યાંકન કરવાનું કામ શરુ પણ કરી દીધું છે અને જો એવી પરિસ્થિતિ ઉભી થશે તો પાકિસ્તાનમાં જતું પાણી અટકાવીને તેને પંજાબ, હરિયાણા અને રાજસ્થાનને આપી દેવામાં આવશે!