Featured|દેશદેશ

અમદાવાદ મેટ્રોપોલિટન કોર્ટનું રાહુલ ગાંધીને સમન્સ

લોકસભાની ચાલી રહેલી ચૂંટણીઓના પ્રચાર દરમ્યાન ભારતીય જનતા પક્ષના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ વિરુદ્ધ અપશબ્દો બોલવાના મામલે આજે અમદાવાદની મેટ્રોપોલિટન કોર્ટે રાહુલ ગાંધી વિરુદ્ધ સમન્સ જાહેર કર્યું છે, આ સમન્સ ખાડિયાના કોર્પોરેટર કૃષ્ણવદન બ્રહ્મભટ્ટ દ્વારા કરવામાં આવેલી ફરિયાદના આધારે જાહેર કરવામાં આવ્યું છે.

કૃષ્ણવદન બ્રહ્મભટ્ટ દ્વારા એવી ફરિયાદ કરવામાં આવી છે કે ગત 23 એપ્રિલે જબલપુર ખાતે રાહુલ ગાંધીએ અમિત શાહ વિરુદ્ધ કેટલાક વાંધાજનક શબ્દોનો પ્રયોગ કર્યો હતો અને અભદ્ર ભાષાનો પણ ઉપયોગ કર્યો હતો. ખાડિયાના કોર્પોરેટરે રાહુલ ગાંધી વિરુદ્ધ આ મામલે બદનક્ષીનો દાવો કરવામાં આવતા તેમને મેટ્રોપોલિટન કોર્ટ દ્વારા સમન્સ પાઠવવામાં આવ્યું છે.

રાહુલ ગાંધી સંસદ સભ્ય હોવાથી આ સમન્સની બજવણી તેમને લોકસભાના સ્પિકર દ્વારા કરવામાં આવશે. અહીં એ પણ નોંધવું જરૂરી છે કે અમદાવાદની કોર્ટમાં રાહુલ ગાંધી અને કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલા વિરુદ્ધ અમિત શાહની બદનક્ષીના એક અન્ય મામલે પણ કેસ ચાલી રહ્યો છે અને તે અંગે પણ તેમને બંનેને ગયે મહીને સમન્સ પાઠવવામાં આવ્યા હતા.