Featured|ગુજરાતગુજરાત

પાણીની તંગી નિવારવા ગુજરાત સરકારની મોટી જાહેરાત

ગુજરાતમાં રીટેઈલ શોપ્સ 24 કલાક ખુલ્લી રાખવા ગુજરાત સરકારનો ઐતિહાસિક નિર્ણય

ગઈકાલે ગાંધીનગરમાં ગુજરાતની પાણીની સમસ્યા નિવારવા માટે ગુજરાત સરકારે એક મોટી જાહેરાત કરી છે. નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલ તેમજ પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાએ ગઈકાલે એક સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ આયોજિત કરી હતી જેમાં તેમણે આ જાહેરાત કરી હતી. નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલે જણાવ્યું હતું કે હાલમાં 44-45 ડિગ્રી તાપમાન રહેતું હોવાથી નાગરિકોને પૂરતું પાણી મળી રહે તે રાજ્ય સરકારની ફરજ છે. નર્મદા યોજના દ્વારા 6  કોર્પોરેશન ઉપરાંત અન્ય વિસ્તારોને કેનાલ દ્વારા પાણી પૂરું પાડવામાં આવે છે.

પોરબંદરના ડેમમાં પાણી ઓછું હોવાથી ઉપલેટાથી રાણાવાવ સુધીના વિસ્તારોમાં જે પાણીની તકલીફ છે તેને  હળવી કરવા માટે એક પાઈપલાઈન નાખવામાં આવી છે જેનું કાર્ય આગામી બે દિવસમાં પૂર્ણ થઇ જશે.

કચ્છમાં અંજારથી કુકમા સુધીની એક પાઈપલાઈન નાખવામાં આવી છે અને અહીં પણ નર્મદાનું પાણી થોડા દિવસો અગાઉ જ પહોંચ્યું છે અને આ વિસ્તારને મળતા પુરવઠાને વધારવામાં આવ્યો છે. આ ઉપરાંત બોટાદ ખાતે પણ એક પમ્પિંગ સ્ટેશન આવ્યું છે જેની મદદથી અમરેલી જિલ્લાને પણ પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે.

આ ઉપરાંત ગામડાઓમાં ટેન્કરો દ્વારા પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે અને રાજ્યના 62 તાલુકાના કુલ 521 ગામમાં દરરોજ ટેન્કરની 1581 ટ્રીપ મોકલવામાં આવી રહી છે.

નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલે જણાવ્યું છે કે નર્મદા ડેમમાં પીવાનું પૂરતું પાણી છે અને જુલાઈ મહિના સુધી રાજ્યની જનતા માટે આપી શકાય તેટલો જથ્થો હાલમાં ત્યાં ઉપલબ્ધ છે. તેમ છતાં પાણીની કોઇપણ પ્રકારની તકલીફ હોય તો ચોવીસ કલાક માટે 1916 નંબરની એક હેલ્પલાઇન પણ શરુ કરવામાં આવી છે જેમાં રાજ્યભરમાંથી આવતી પાણી અંગેની સમસ્યાઓનું નિવારણ કરવામાં આવશે.