Featured|ગુજરાતગુજરાત

અમદાવાદ સહીત ગુજરાતમાં હીટવેવ; AMC દ્વારા સાવચેતીના પગલાં લેવાયા

અમદાવાદ સહીત ગુજરાતમાં હીટવેવ; AMC દ્વારા સાવચેતીના પગલાં લેવાયા

ઉત્તર પશ્ચિમથી ગરમ પવન ફૂંકાવાના શરુ થઇ ગયા છે. આ કારણને લીધે ગુજરાતની આર્થિક રાજધાની અમદાવાદ સહીત ગુજરાતના વિવિધ ભાગોમાં અતિશય ગરમી અને હીટવેવ ઉભો થવાની હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે. ગુજરાતભરમાં આજે ગરમીનો પારો 44 ડિગ્રી સુધી પહોંચશે અને આગામી કેટલાક દિવસો સુધી તેમાં કોઈજ ફેરફાર નહીં થાય.

આ હીટવેવની અસર 28 એપ્રિલ સુધી જળવાઈ રહેશે જેમાં અમદાવાદ, ગાંધીનગર, કચ્છ, અમરેલી, રાજકોટ, સુરેન્દ્રનગર, સાબરકાંઠા, વડોદરા અને બનાસકાંઠા જીલ્લાઓ સામેલ છે. અમદાવાદ શહેરમાં તો અત્યારથી જ ઓરેન્જ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યો છે. આવનારા રવિવારે અમદાવાદ શહેરમાં ગરમીનો પારો 45 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતાને ધ્યાનમાં લેતા તે દિવસે રેડ એલર્ટની ઘોષણા કરવામાં આવી છે.

આવા સંજોગોમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને નાગરિકોની સુવિધા માટે કેટલાંક ખાસ પગલાં લીધા છે. AMC દ્વારા જાહેર કરવામાં આવેલી એક એડવાઇઝરી અનુસાર શહેરના એસટી ડેપો પર પાણીની પૂરતી વ્યવસ્થા કરવામાં આવશે તેમજ શહેરની લાઈફલાઈન બની ચૂકેલી BRTSના તમામ સ્ટેન્ડ પર ORSની વહેંચણી પણ કરવામાં આવશે. આ ઉપરાંત શહેરના તમામ બાગ અને બગીચાઓ હવે રાત્રે 11 વાગ્યા સુધી જાહેર જનતા માટે ખુલ્લા રહેશે.