Featured|ગુજરાતગુજરાત

લગભગ 2014 જેટલું જ મતદાન થતા તમામ 26 બેઠકો જીતવાનો રૂપાણીનો વિશ્વાસ

આજે બરોબર 6 વાગ્યે સમગ્ર ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનું મતદાન સંપૂર્ણ શાંતિપૂર્વક સંપન્ન થઇ ગયું હતું. મતદાન પૂરું થયાને ગણતરીની મિનિટોમાં જ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજય રુપાણીએ એક પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરી હતી. આ કોન્ફરન્સમાં રુપાણીએ કહ્યું હતું કે આ વખતનું મતદાન પણ લગભગ 2014 જેટલી જ ટકાવારી સાથે સંપન્ન થયું છે અને આથી તેમને વિશ્વાસ છે કે આ વખતે પણ ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી તમામ 26 બેઠકો પર જીત મેળવશે.

વિજય રુપાણીએ આજના મતદાનને ભાજપ તરફનો વેવ ગણાવ્યો હતો અને કહ્યું હતું કે જ્યારે કોઈ એક પક્ષની તરફેણમાં વેવ ઉભો થતો હોય છે ત્યારે એક કે બે અથવા પાંચ સીટો આમતેમ નથી થતી, વેવના રસ્તામાં આવનાર તમામ સાફ થઇ જાય છે.

વિજય રુપાણીએ સમગ્ર ચૂંટણી પ્રચાર દરમ્યાન ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ કરેલી મહેનતની પ્રશંસા કરી હતી અને તેમનો આભાર માન્યો હતો.