Featured|દેશદેશ

શત્રુઘ્ન સિન્હાનો કોંગ્રેસમાં જ થઇ રહ્યો છે વિરોધ

શત્રુઘ્ન સિન્હાનો કોંગ્રેસમાં જ થઇ રહ્યો છે વિરોધ

ભાજપ છોડીને કોંગ્રેસમાં જોડાયેલા શત્રુઘ્ન સિન્હાને હવે પોતાની પટના સાહિબ બેઠક પર જ કોંગ્રેસી કાર્યકર્તાઓના વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. કોંગ્રેસી કાર્યકર્તાઓ આજકાલ પટનામાં આવેલા સદાકત આશ્રમ ખાતે આવેલા બિહાર કોંગ્રેસ મુખ્યાલય સામે પ્રદર્શન કરતા જોવા મળી રહ્યા છે.

કોંગ્રેસના કાર્યકર્તાઓનો આરોપ છે કે શત્રુ લાલુના ઈશારે કોંગ્રેસને ડૂબાડવા માટે કોંગ્રેસમાં જોડાયા છે અને કોંગ્રેસને દગો આપી રહ્યા છે. કાર્યકર્તાઓની માંગ છે કે શત્રુઘ્નને આપેલી ટીકીટ પરત લેવામાં આવે અને તેની જગ્યાએ કોઈ બીજાને ટીકીટ આપવામાં આવે. પટના સાહિબના કાર્યકર્તાઓનું કહેવું છે કે જ્યારે શત્રુઘ્ન દિલ્હીથી પટના આવ્યા હતા ત્યારે તેઓ એરપોર્ટ પર તેમની રાહ જોઈ રહ્યા હતા પરંતુ શત્રુ સીધા જ તેજસ્વી યાદવ અને લાલુ યાદવના પરિવારને મળવા જતા રહ્યા.

ઉત્તર પ્રદેશમાં તેઓ પોતાની પત્ની માટે સપાનો પ્રચાર કરી રહ્યા છે અને કોંગ્રેસ અહીં તેમના વિરુદ્ધ લડી રહી છે. આમ શત્રુઘ્ન સિન્હા દગાખોર છે એમ આ કાર્યકર્તાઓનું કહેવું છે. જાણવા મળ્યા અનુસાર આજે શત્રુઘ્ન સિન્હા જ્યારે પટના કોંગ્રેસ કાર્યાલય પહોંચ્યા ત્યારે તેમની સાથે ધક્કામુક્કી પણ થઇ હતી અને વાતાવરણ તંગ બની ગયું હતું.