Featured|દેશદેશ

રાષ્ટ્રવાદ કાયમી રીતે ચૂંટણીનો મુદ્દો હોવો જ જોઈએ: અમિત શાહ

ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે ગુજરાતની ગાંધીનગર લોકસભા બેઠક પરથી ચૂંટણી પણ લડી રહ્યા છે અને પાર્ટી માટે સમગ્ર દેશમાં પ્રચાર કાર્ય પણ સંભાળી રહ્યા છે તેમણે એક અંગ્રેજી અખબારને ખાસ મુલાકાત આપી હતી. આ મુલાકાતમાં અમિત શાહને પૂછવામાં આવ્યું હતું કે ભાજપ શા માટે ચૂંટણીમાં રાષ્ટ્રવાદને મુદ્દો બનાવી રહ્યું છે?

આ સવાલના જવાબમાં અમિત શાહે જણાવ્યું હતું કે અત્યારસુધી ઘણી ચૂંટણીઓ ગરીબી, બેરોજગારી, ભ્રષ્ટાચાર, મોંઘવારીના મુદ્દે લડાઈ ચૂકી છે, તો રાષ્ટ્રવાદના મુદ્દે શા માટે ચૂંટણી ન લડાવી જોઈએ? બલ્કે દેશની સુરક્ષાનો મુદ્દો તો સહુથી પહેલો હોવો જોઈએ. અમિત શાહે જણાવ્યું હતું કે રાષ્ટ્રવાદનો મુદ્દો દરેક ચૂંટણીનો મુખ્ય મુદ્દો હોવો જોઈએ.

મોદી સરકાર ઇતિહાસમાં શેને માટે યાદ રાખવામાં આવશે એ પ્રશ્નના જવાબમાં શાહે જણાવ્યું હતું કે જ્યારે અમે સત્તા સંભાળી ત્યારે ભારત વિશ્વનું 11મું સહુથી મોટું અર્થતંત્ર હતું, આજે તે ચોથા નંબરે છે. કોંગ્રેસે ચાર દાયકા સુધી ગરીબી હટાઓનો નારો આપ્યો પરંતુ અમારી સરકારે છ કરોડ ઉપરાંત કુટુંબોને LPG સિલિન્ડર પહોંચાડ્યા, દેશના 99% આવાસોમાં શૌચાલય બાંધી આપ્યા, આયુષ્માન ભારત દ્વારા આરોગ્ય સુવિધા ગરીબો માટે પોસાય તેવી બનાવી ઘેરઘેર વીજળી પહોંચાડી.

ઉત્તર પ્રદેશમાં કહેવાતા મહાગઠબંધનના પડકાર વિષે અમિત શાહે કહ્યું હતું કે હવે સમય બદલાઈ ગયો છે. લોકો એક બે નેતાના પ્રભાવમાં આવીને મતદાન નથી કરતા. પ્રજાને સુવિધાઓ જોઈએ છીએ અને વિકાસ જોઈએ છીએ અને આથી અમારી સરકારે પ્રજાના કલ્યાણ માટે લીધેલા મોટાભાગના પગલાઓને કારણે અમે આશ્વસ્ત છીએ કે ઉત્તર પ્રદેશમાં અમે 73 થી 72 પર નહી આવીએ પરંતુ 74 બેઠકો જીતીશું.