Featured|ગુજરાતગુજરાત

હાર્દિક તારા વળતા પાણી – પાટીદારોને ગેરમાર્ગે દોરનાર અલોકપ્રિય આગેવાન

હાર્દિક પટેલ બહુ ટૂંકા સમયમાં પાટીદાર અનામત આંદોલનના નેતા તારીકે ઉભરી આવ્યો હતો. ટૂંકમાં કહીએ તો એ પાટીદારોના આગેવાન તરીકે પોતાને પ્રોજેક્ટ કરતો હતો. આપણને યાદ છે કે આંદોલન દરમ્યાન હાર્દિક પટેલ પાટીદારોના વિસ્તારોમાં ખાસ સભાઓ ભરતો, પરંતુ જ્યારથી તે કોંગ્રેસમાં જોડાયો છે અને પાટીદાર સમાજ દ્વારા જ તેનો વિરોધ થવાનો શરુ થયો છે ત્યારથી હાર્દિકની વર્તણુકમાં એક બદલાવ આવ્યો છે.

હાર્દિકના કોંગ્રેસમાં જોડાયાને આટલા બધા દિવસો થયા. ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનો પ્રચાર કોંગ્રેસ દ્વારા શરુ કરવામાં આવ્યો તેને પણ આટલા બધા દિવસો થયા અને હવે તો પરમદિવસે ગુજરાતમાં મતદાન પણ થઇ જશે, પરંતુ આ સમગ્ર પ્રચાર અભિયાન દરમ્યાન કોઈએ પણ હાર્દિક પટેલને અગાઉ જ્યાં તે વારંવાર સભાઓ કરતો તે સુરત શહેરમાં સભા કરતો કે રોડ શો કરતો જોવા મળ્યો છે?

કેમ? શું હાર્દિક પટેલ માટે પાટીદાર વિસ્તારો હવે અળખામણા થઇ ગયા છે? જય સરદારના નામે આંદોલન ચલાવનાર હાર્દિક પટેલ સરદાર પટેલના કોંગ્રેસ દ્વારા થતા વારંવારના અપમાન અંગે કેમ ચૂપ છે? કોંગ્રેસના આગેવાન એવા પરેશ ધાનાણીએ ભરી વિધાનસભામાં સ્ટેચ્યુ ઓફ યુનિટીને ભંગારમાંથી બનાવવામાં આવ્યું એમ કહ્યું ત્યારે હાર્દિક કેમ ચૂપ રહ્યો? ચાર દિવસ અગાઉ કર્ણાટક કોંગ્રેસની ફૂલ પેઈજ લેન્થની એડમાં અહમદ પટેલને સ્થાન મળ્યું પરંતુ સરદાર પટેલની ધરાર અવગણના કરી એના વિષે હાર્દિક પટેલ કશું બોલ્યો?

ગયા મહીને અમદાવાદના એક પાર્ટી પ્લોટમાં જ્યારે તેના જ ભૂતપૂર્વ સાથીદાર અલ્પેશ કથીરિયાના સમર્થકો સાથે પોતાના સમર્થકો લડી પડ્યા તે બાદ હાલ જેલમાં રહેલા અલ્પેશ કથીરિયાની તબિયત વિષે તેણે ક્યારેય પૂછપરછ કરી છે? કે પછી તેને પોતે લહેરમાં અને અલ્પેશ કથીરિયા જેલમાં રહે એમાં જ તેને રસ છે? કદાચ એવું જ લાગે છે કારણકે ગઈકાલે રાત્રે પણ અમદાવાદના નિકોલમાં અલ્પેશના ટેકેદારો અને હાર્દિકના ટેકેદારો વચ્ચે ફરીથી મારામારી થઇ હતી.

સ્વાભાવિક છે કે પાટીદાર સમાજ અને સમગ્ર ગુજરાતની જનતમાં હાર્દિક પટેલ હવે મોઢું દેખાડવાને લાયક નથી રહ્યો. પોતાને મોટે ઉપાડે બેરોજગાર ગણાવનાર અને એમાં ગર્વ લેનાર  હાર્દિક પટેલે હેલિકોપ્ટરમાં ઉડીને પ્રચાર કરીને એ 14 મૃતક પાટીદાર સમાજના યુવાનોનું અપમાન કર્યું છે જેમને અનામત દ્વારા પોતાની બેરોજગારી દૂર કરવાની ઈચ્છા હતી.

અધૂરામાં પૂરું એક સમયે હાર્દિકના સહુથી નજીકના સાથીદારો જ તેની વિરુદ્ધ થઇ ગયા છે, જેમાં આજની દિલીપ સાબવાની પ્રેસ કોન્ફરન્સ ઘણું કહી જાય છે. જો સાબવાના કહેવા અનુસાર હાર્દિકે જ GMDCનું તોફાન એક કાવતરાને આધારે કરાવ્યું હતું તો રાજ્યભરમાં પાટીદારોની ઈમેજ ખરાબ કરવા માટે અને પેલા 14 નવલોહિયા જવાનોના અપમૃત્યુ માટે આ ખુલાસા બાદ હાર્દિક સિવાય બીજું કોણ જવાબદાર?

પોતાના જ સાથીદારો સાથે લડાઈ, લુણાવાડાના ખેડૂત દ્વારા પોતાના ખેતરમાં હાર્દિકના હેલિકોપ્ટરને ઉતરવાની કરવામાં આવેલી મનાઈ અને સુરેન્દ્રનગરમાં જાહેરસભામાં એક સામાન્ય નાગરિક દ્વારા હાર્દિકને ચોડવામાં આવેલો આ શું દર્શાવે છે? એ જ કે હાર્દિક પટેલ હવે સમાજને ગેરમાર્ગે દોરનારો આગેવાન સાબિત થયો હોવાથી તેના વળતા પાણી શરુ થઇ ગયા છે.