Featured|ગુજરાતગુજરાત

મતદાનના 36 કલાક અગાઉ ભાવનગરમાંથી કોંગ્રેસને મોટો ઝટકો

મતદાનના 36 કલાક અગાઉ ભાવનગરમાંથી કોંગ્રેસને મોટો ઝટકો

ગુજરાતભરમાં લોકસભાની ચૂંટણીના મતદાનને હવે ગણતરીના કલાકો જ બાકી છે ત્યારે પણ ગુજરાત કોંગ્રેસને આકરામાં આકરા ઝાટકા લાગી રહ્યા છે. આજે ભાવનગરના બોટાદ જીલ્લા પંચાયતના નવ સભ્યો એ અમદાવાદ ખાતેના ભાજપના કાર્યાલય ખાતે ભગવો ખેસ ધારણ કરી લીધો હતો. આ પ્રસંગે કેબિનેટ મંત્રી સૌરભ પટેલ તેમજ પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યા ઉપસ્થિત રહ્યા હતા.

અત્રે એ નોંધનીય છે કે બોટાદ એ ભાવનગર લોકસભા પર કોંગ્રેસની ટીકીટ પરથી લડી રહેલા મનહર પટેલનું વતન છે. આમ વતનમાં જ જે ઉમેદવારની જિલ્લા પંચાયતના સભ્યો વિરોધી પક્ષમાં જોડાય અને એ પણ મતદાન અગાઉ જ તો તેની હાલત શરમજનક થઈ જાય છે.

સૌરભ પટેલે બોટાદના તાલુકાના ચારેય સમાજના આગેવાનોને ભાજપમાં આવકારતા કહ્યું હતું કે તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિકાસલક્ષી રાજનીતિનું સમર્થન કર્યું છે. આજે ભાજપમાં જોડાનાર બોટાદ જીલ્લા પંચાયતના સભ્યોમાં પૂર્વ પ્રમુખ પ્રભાત યાદવ તેમજ સિંચાઇ સમિતિના ચેરમેન વનુભાઈ કાલોદરા, શિક્ષણ સમિતિના ચેરમેન હેતલબેન મકવાણા તેમજ કારોબારી ચેરમેન વાલજી ભાઈ જાદવ સામેલ છે.

બોટાદ જિલ્લા પંચાયતમાં કુલ 20 સભ્યો છે. અગાઉ કોંગ્રેસ પાસે 18 સભ્યો હતા અને ભાજપના 2 સભ્યો હતા. હવે કોંગ્રેસના 9 સભ્યો ભાજપમાં જોડાતા ભાજપના 11 સભ્યો થઇ ગયા છે.