Featured|દેશદેશ

પ્રિયંકા ચતુર્વેદીએ હતાશ થઈને કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું

પોતાના જ મહિલા પ્રવક્તાનું અપમાન કરનારાઓને કોંગ્રેસે પક્ષમાં પરત લીધા

કોંગ્રેસ પ્રવક્તા પ્રિયંકા ચતુર્વેદીએ કોંગ્રેસ છોડી દીધી છે. ગયા અઠવાડિયે ઉત્તર પ્રદેશના મથુરામાં એક પ્રેસ કોન્ફરન્સમાં કેટલાક કોંગ્રેસી કાર્યકર્તાઓએ પ્રિયંકા ચતુર્વેદી સાથે અશોભનીય વર્તન કર્યું હતું. ત્યારબાદ પહેલા તો કોંગ્રેસે એ તમામ કાર્યકર્તાઓને પાર્ટીમાંથી બરતરફ કર્યા હતા પરંતુ બે જ દિવસ બાદ ઉત્તર પ્રદેશના ઇન્ચાર્જ જ્યોતિરાદિત્ય સિંધિયાના કહેવાથી તેમને પાર્ટીમાં પરત લઇ લેવામાં આવ્યા હતા.

ત્યારબાદ પ્રિયંકાએ પોતાની નિરાશા દર્શાવતી ટ્વીટ કરીને કહ્યું હતું કે જે લોકો કોંગ્રેસ માટે પરસેવો પાડે છે પોતાનું લોહી આપે છે તેમના સન્માન અંગે પાર્ટી કશું જ વિચારતી નથી. ત્યારબાદ એવું જાણવા મળ્યું છે કે પ્રિયંકાએ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સુધી પોતાનું દુઃખ પહોંચાડ્યું હતું, પરંતુ ચોવીસ કલાક સુધી તેમનો કોઈજ જવાબ નહોતો આવ્યો.

આમ ચોવીસ કલાક બાદ પણ પોતાની સુનાવણી ન થતા ગઈકાલે રાત્રે પ્રિયંકા ચતુર્વેદીએ પહેલા AICCના વોટ્સ એપ ગ્રુપને છોડી દીધું હતું અને ત્યારબાદ પોતાની ટ્વીટર પ્રોફાઈલ પર AICC Spokesperson શબ્દો પણ હટાવી દીધા હતા. જાણવા મળ્યા મુજબ પ્રિયંકા ચતુર્વેદીએ કોંગ્રેસના પ્રાથમિક સભ્યપદેથી પણ રાજીનામું આપી દીધું છે.