Featured|ગુજરાતગુજરાત

લુણાવાડાના ખેડૂતે હાર્દિક પટેલના હેલિકોપ્ટરને લેન્ડ ન થવા દીધું

કોંગ્રેસના નવા નવા બનેલા નેતા અને સ્ટાર પ્રચારક હાર્દિક પટેલ જે થોડા દિવસ અગાઉ ગર્વ સહીત પોતાને બેરોજગાર કહેવડાવતો હતો અને હવે હેલિકોપ્ટરમાં ફરે છે તેણે આજે મહીસાગર જીલ્લાના લુણાવાડામાં એક અનોખા વિરોધનો સામનો કરવો પડ્યો હતો.

આજે લુણાવાડામાં હાર્દિક પટેલની જાહેરસભા હતી અને આ માટે તેને તેના હેલિકોપ્ટર દ્વારા શહેરથી થોડે દૂર ઉતરાણ કરવાનું હતું. હેલિકોપ્ટરના ઉતરાણ માટે જ્યારે સ્થાનિક કોંગ્રેસી આગેવાનો એ જગ્યાએ ગયા ત્યારે ત્યાંના ખેડૂતે તેમને હાર્દિક પટેલ માટે હેલિકોપ્ટર પોતાના ખેતરમાં ઉતારવા દેવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી.

ખેડૂતનું કહેવું હતું કે તેની મરજી વિરુદ્ધ એક પણ કોંગ્રેસી પોતાના ખેતરમાં ઉતરાણ નહીં કરી શકે અને હાર્દિક તો નહીં જ! આવામાં ગૂંચવાઈ ગયેલા કોંગ્રેસી આગેવાનોએ કલાકો સુધી આ ખેડૂતને મનાવવાની કોશિશ કરી પરંતુ ખેડૂત એક નો બે ન થતા છેવટે હાર્દિક પટેલ હવે મોટર માર્ગે સભાસ્થળે લુણાવાડા પહોંચશે.

આ ઘટના એ સાબિત કરે છે કે રાજ્યમાં કોંગ્રેસ વિરુદ્ધ ખેડૂતોમાં પણ કેટલો રોષ વ્યાપ્ત છે અને હાર્દિક પટેલ હવે ગુજરાતની પ્રજાની નજરમાંથી એટલો તો ઉતરી ગયો છે કે તેને પ્રચાર માટેનું હેલિકોપ્ટર પણ ક્યાં ઉતારવું તેના સાંસા પડી ગયા છે.