Featured|દેશદેશ

મોદીની અપીલ બાદ ખાદીના વેચાણમાં અભૂતપૂર્વ વધારો

મોદીની અપીલ બાદ ખાદીના વેચાણમાં અભૂતપૂર્વ વધારો

ખાદી અને ગ્રામ ઉદ્યોગ કોર્પોરેશન (KVIC) એ જણાવ્યું છે કે 2018-19ના નાણાંકીય વર્ષમાં ખાદીના ઉત્પાદનોનું વેચાણ 28 ટકા વધીને 3,215.13 કરોડ થઇ ગઈ છે. આ વેચાણમાં ખાદીના કપડાઓનું વેચાણ 16 ટકા જેટલું વધ્યું છે અને તે રૂ. 1,902 કરોડ સુધી પહોંચ્યું છે. KVICનું કહેવું છે કે તેના આ વેચાણમાં થયેલી વૃદ્ધિ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વારંવારની અપીલ કે દેશના નાગરિક ઓછામાં ઓછું એક ખાદીનું વસ્ત્ર જરૂર અપનાવે તેના બાદ થઇ છે.

KVICના આંકડાઓ એમ પણ જણાવે છે કે નમો જેકેટ લોકોના ફેવરીટ રહ્યા છે. માત્ર નરેન્દ્ર મોદી એપ દ્વારા જ ગયા બે મહિનામાં 7 હજારથી પણ વધુ નમો જેકેટ ખરીદવામાં આવ્યા છે. આ ઉપરાંત ખાદી અને ગ્રામ ઉદ્યોગના દેશભરમાં આવેલા વેચાણ કેન્દ્રો પર દરરોજ ઓછામાં ઓછા 200 નમો જેકેટ્સનું વેચાણ થાય છે.

KVICનો અંદાજ છે કે આ નાણાંકીય વર્ષને અંતે તેમની વેચાણ દ્વારા થનારી કમાણી 5 કરોડના આંકડાને પણ પાર થઇ જશે. આ બધું વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અપીલને લીધે જ શક્ય બન્યું હોવાનું તેણે કહ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ભાષણોમાં તેમજ મન કી બાત કાર્યક્રમમાં ખાદીને પ્રોત્સાહન આપવાનું કહે છે જેથી તેના કારીગરો અને શ્રમિકોને રોજગારી મળતી રહે. નરેન્દ્ર મોદીએ એટલે સુધી કહ્યું છે કે કશું શક્ય ન હોય તો ઓછામાં ઓછો ખાદીનો રૂમાલનો ઉપયોગ કરવો જોઈએ જેથી ખાદીના વેચાણમાં મદદ મળે.