Featured|દેશદેશ

મોદીને મત આપવા મેંગલોરના વ્યક્તિએ ઓસ્ટ્રેલિયાની નોકરી છોડી

મોદીને મત આપવા મેંગલોરના વ્યક્તિએ ઓસ્ટ્રેલિયાની નોકરી છોડી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે મેંગલોરમાં એક સભાને સંબોધિત કરી હતી. અહીં તેમના સમર્થકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા જેમાં તેમનો એક ખાસ સમર્થક પણ સામેલ હતો. 41 વર્ષીય સુધિન્દ્ર હેબ્બાર સિડની એરપોર્ટ પર સ્ક્રિનિંગ ઓફિસર હતા તેમની રજા સિડની એરપોર્ટ પર પ્રવાસીઓના ધસારાને લીધે વધારી શકાઈ ન હતી અને જેને લીધે તેઓ લોકસભાની ચૂંટણીઓમાં મત આપી શકે તેમ ન હતા.

સુધિન્દ્રએ જણાવ્યું હતું કે ઈસ્ટર અને ઇદને લીધે સિડની એરપોર્ટ પર પ્રવાસીઓની સંખ્યા ખૂબ રહેતી હોય છે. આવામાં તેમની રજાઓ વધારવાની વિનંતી નામંજૂર કરવામાં આવી હતી. આથી તેઓ સિડની ગયા અને પોતાની નોકરી પરથી રાજીનામું આપીને મેંગલોર પરત આવી ગયા.

સુધિન્દ્રએ 2014ની ચૂંટણીઓ અગાઉ જ સિડનીમાં નોકરી લીધી હતી. આ સમયે તેમણે વહેલી સવારે 7 વાગ્યે મતદાન મથક પર પહોંચીને સહુથી પહેલું મતદાન કર્યું હતું અને ત્યાંથી તેઓ સીધા બેંગ્લોર જતા રહ્યા હતા જ્યાંથી તેમણે સિડનીની ફ્લાઈટ પકડી હતી.

સુધિન્દ્રના કહેવા અનુસાર જ્યારે એરપોર્ટ પર મળતા પ્રવાસીઓ તેમને કહે છે કે તમારા વડાપ્રધાનને લીધે ભારતનું ભવિષ્ય ખૂબ ઉજ્જવળ છે ત્યારે તેમને અત્યંત ગર્વની લાગણી થાય છે. આ કારણસર જ તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને બીજી મુદત માટે વડાપ્રધાન તરીકે જોવા મળે છે અને તેઓ તેમને મત આપવા માટે નોકરીમાંથી રાજીનામું આપતા પણ અચકાયા ન હતા.

સુધિન્દ્રના પત્ની ફીજી-ઓસ્ટ્રેલિયન છે અને તેઓ પોતે પર્માનેન્ટ રેસિડન્સી કાર્ડ હોલ્ડર છે. સુધિન્દ્રનું કહેવું છે કે તેમને ઓસ્ટ્રેલિયા પરત થયા બાદ તરતજ નવી નોકરી મળી જશે. સુધિન્દ્ર 23 મે ના રોજ પરિણામો આવ્યા બાદ સિડની પરત થશે.