Featured|ગુજરાતગુજરાત

બાબુ કટારાને ધૂમ પ્રચાર કરવો છે પણ ખર્ચો નથી બતાવવો

દાહોદમાં કોંગ્રેસની ટીકીટ પર લડી રહેલા બાબુ કટારા કબૂતરબાજીના ગુનેગાર

કબૂતરબાજી માટે પકડાયેલા અને જેલમાં પણ જઈ આવેલા દાહોદના પૂર્વ કોંગ્રેસી સંસદ સભ્ય અને આ વખતે ફરીથી દાહોદ બેઠક પર કોંગ્રેસની ટીકીટ પર લડી રહેલા બાબુ કટારા તકલીફમાં મુકાઈ ગયા છે. બાબુ કટારા આજકાલ દાહોદમાં પ્રચાર કરતા જોવા મળે છે પરંતુ આટલા બધા દિવસો થયા હોવા છતાં તેમણે હજી સુધી પોતાના પ્રચારનો હિસાબ ચૂંટણી પંચને આપ્યો નથી.

ચૂંટણી પંચે હવે બાબુ કટારા વિરુદ્ધ આકરા પગલાં લેતા તેમને સ્પષ્ટ ચેતવણી આપી છે કે તેઓ હવેથી પોતાના પ્રચાર પર થતા ખર્ચનો રોજીંદો હિસાબ પંચમાં જમા કરાવતા જાય આ ઉપરાંત અત્યારસુધીમાં તેમણે પોતાના પ્રચારમાં કેટલો ખર્ચ કર્યો છે તેની વિગતો પણ તાત્કાલિક આપે.

નિયમ અનુસાર દરેક ઉમેદવારે ચૂંટણી પ્રચાર શરુ થયાના દિવસથી જ ચૂંટણી પંચને પોતાનો હિસાબ દરરોજ આપવાનો હોય છે અને બાબુ કટારાએ આમ નથી કર્યું અને તેથી જ તેમને ચૂંટણી પંચની નોટીસ મળી છે. પોતાના પત્રમાં ચૂંટણી પંચે બાબુ કટારાને એમ પણ જણાવ્યું છે કે જો તેઓ પોતાનો પ્રચાર અંગેનો હિસાબ જલ્દીથી પંચને નહીં આપે તો પંચ તેમના વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી પણ કરી શકે છે.

બાબુ કટારા ઉપરાંત દાહોદ બેઠક પરથી લડી રહેલા જનતાદળના ઉમેદવાર જગદીશ મેડાને પણ ચૂંટણી પંચે આ જ કારણોસર નોટીસ ફટકારી છે.