Featured|ગુજરાતગુજરાત

દુવિધાથી ઘેરાયેલા અલ્પેશ ઠાકોર હવે કયો માર્ગ પસંદ કરશે?

પાટણમાં કોંગ્રેસને નડી રહી છે અલ્પેશ ઠાકોર નામની મક્ષિકા

કોંગ્રેસના ધારાસભ્ય અને ઠાકોર સમાજના નેતા અલ્પેશ ઠાકોર એક મોટી દુવિધામાં ફસાઈ ગયા છે. પહેલા તો તેમણે કોંગ્રેસ પાસેથી માંગેલી ચાર બેઠકોમાંથી એક પણ બેઠક પર તેમને અથવાતો ઠાકોર સેનાને ટીકીટ નથી મળી. ત્યારબાદ નારાજ થયેલી ઠાકોર સેનાએ બનાસકાંઠા બેઠક પર કોંગ્રેસ વિરુદ્ધ પોતાના બે ઉમેદવારો પાસે ફોર્મ ભરાવ્યા હતા.

આ સમયે અલ્પેશ ઠાકોરને કદાચ એવું હતું કે ઠાકોર સેના પોતાના ઉમેદવારો પાસેથી છેલ્લી ઘડીએ ફોર્મ પરત ખેંચાવી લેશે. પરંતુ કોંગ્રેસથી નારાજ થયેલી ઠાકોર સેના જીતના નિર્ધાર સાથે જ મેદાનમાં ઉતરી છે. હવે અલ્પેશ ઠાકોર સમક્ષ મોટી સમસ્યા અત્યારે એ આવીને ઉભી છે કે ઠાકોર સેનાએ પણ તેમને ઠાકોર સેનાના ઉમેદવારોને સમર્થન આપવાનું કહ્યું છે, તેમનો પ્રચાર કરવાનું કહ્યું છે. એમ કહોને કે લગભગ હુકમ જ આપ્યો છે. તો બીજી તરફ હાર્દિક પટેલને સ્ટાર પ્રચારક બનાવનાર કોંગ્રેસે અલ્પેશ ઠાકોરને આ પ્રકારનું કોઇપણ મહત્ત્વ આપ્યું નથી.

આથી અલ્પેશ ઠાકોર જેણે તેમને અલ્પેશ ઠાકોર બનાવ્યો એ ઠાકોર સેનાનો હુકમ માનશે કે પછી કોંગ્રેસ જેણે તેમનું બિલકુલ માન ન રાખતા ચારમાંથી એક પણ બેઠક પર ટીકીટ ન આપી કે ન તો તેમને પોતાના સ્ટાર પ્રચારક બનાવ્યા તેનું કહ્યું માનશે? અલ્પેશ ઠાકોરની આ દુવિધા તેમના નિવેદનોમાં પણ દેખાઈ આવી હતી જેમાં તેમણે હજી પણ પોતે સમાજ માટે ગમે તે કરી છૂટવા તૈયાર છે પરંતુ કરી શકતા નથી તેનું તેમને સતત દુઃખ રહે છે તેમ તેઓ કહેતા રહેતા હોય છે.

હવે આવી દુવિધામાંથી અલ્પેશ ઠાકોર કયો માર્ગ અપનાવશે એ જોવા માટે આવનારો સમય રસપ્રદ બની રહેશે.