Featured|દેશદેશ

શા માટે વિજય માલ્યા હવે નહીં બચી શકે?

લેણાં વસુલ કરવા બેન્કોએ શેર્સ વેંચતા જ વિજય માલ્યા ગુસ્સે થયો

ભાગેડુ લિકર બેરોન અને ઉદ્યોગપતિ વિજય માલ્યાની તેના ભારત પ્રત્યાર્પણની વિરુદ્ધની અરજી ગઈકાલે લંડનની હાઈકોર્ટે કાઢી નાખી છે. વિજય માલ્યાને હવે વધુ અપીલ કરવાથી પણ હાઈકોર્ટે મનાઈ કરી છે. સુનાવણી દરમ્યાન જજે કહ્યું હતું કે, “તમારી પાસે પ્રત્યાર્પણ કેમ ન કરવું એ અંગે કોઈ દલીલ જ બચી નથી.”

તેમ છતાં બ્રિટનના કાયદા અનુસાર વિજય માલ્યા છ અઠવાડિયામાં ત્યાંની સુપ્રિમ કોર્ટમાં અપીલ કરી શકે છે. અહીં તેમની વાત સાંભળવા માટે અડધો કલાક આપવામાં આવશે પરંતુ સામાન્ય રીતે કોર્ટમાં બનતું હોય છે એમ દલીલો કે પ્રતિ દલીલો નહીં થઇ શકે.

એક આંકડા અનુસાર છેલ્લા ત્રણ મહિનામાં બ્રિટનની સુપ્રિમ કોર્ટમાં આ રીતે લગભગ વીસ જેટલી રિવ્યુ પિટીશનો ફાઈલ થઇ હતી. જેમાંથી અડધાથી પણ વધુ પિટિશનોને વિવિધ જજોએ આરોપીઓને સાંભળ્યા બાદ કાઢી નાખી હતી.

આમ વિજય માલ્યા જો સુપ્રિમ કોર્ટમાં રિવ્યુ પિટીશન પણ કરશે તો પણ તેના બચવાના લગભગ કોઈજ ચાન્સ નથી. જો સુપ્રિમ કોર્ટ પણ વિજય માલ્યાની વિનંતી ફગાવી દેશે તો ભારતીય અધિકારીઓ તેને ભારત લાવી શકશે.