Featured|દેશદેશ

માયાવતીએ ખુલ્લેઆમ મુસ્લિમોને મહાગઠબંધનને મત આપવા કહ્યું

287views

જ્યારે પણ આદર્શ આચારસંહિતા લાગુ હોય છે ત્યારે ધર્મ કે સમાજના નામે મત માંગવાની સ્પષ્ટ મનાઈ હોય છે. જો કે આવા મનાઇહુકમ આપણા રાજકારણીઓ આરામથી ભૂલી જતા હોય છે. સહરાનપુરમાં ગઈકાલે એક રેલીમાં માયાવતીએ આચારસંહિતાની મર્યાદા વટાવી દેતા મુસ્લિમ સમાજને એક થઈને મહાગઠબંધનને મત આપવાની ખુલ્લેઆમ અપીલ કરી છે.

માયાવતીએ અહીં એક જાહેરસભાને સંબોધન કરતા કહ્યું હતું કે, કોંગ્રેસ નહીં માત્ર મહાગઠબંધન જ ભાજપ સામે અસરકારક રીતે લડી શકે છે. કોંગ્રેસ તો ફક્ત મહાગઠબંધનને હરાવવા માટે જ ઉત્તર પ્રદેશમાં મેદાનમાં ઉતરી છે. આથી મુસ્લિમ સમાજે ભાજપને હરાવવા માટે માત્ર અને માત્ર મહાગઠબંધનને જ મત આપવા જોઈએ.

જાણવા મળ્યા અનુસાર માયાવતીએ કૈરાના, બિજનૌર, બાગપત અને મુઝફ્ફરનગરની પોતાની સભાઓમાં પણ આ જ પ્રમાણે મુસ્લિમોને એકતરફી મતદાન કરવાની અપીલ કરી હતી. ચૂંટણી પંચને પણ આ અંગે ફરિયાદ કરવામાં આવી છે અને પંચે સહરાનપુરની માયાવતીની રેલીનો વિડીયો તેમજ અહેવાલ સ્થાનિક તંત્ર પાસે માંગ્યો છે.