Featured|દેશદેશ

પૂર્વ આર્મી જનરલ ભાજપમાં જોડાયા; કહ્યું આર્મીમેન માટે ભાજપ પહેલી પસંદ

પૂર્વ આર્મી જનરલ ભાજપમાં જોડાયા; કહ્યું આર્મીમેન માટે ભાજપ પહેલી પસંદ

ચૂંટણીઓ અગાઉ ઘણા રાજકીય નેતાઓ એકબીજી પાર્ટીઓમાં સામેલ થતા હોય છે. પરંતુ ગઈકાલે એક અનોખી વ્યક્તિ ભાજપમાં જોડાઈ હતી. આ વ્યક્તિનું નામ છે લેફ્ટનન્ટ જનરલ શરત ચંદ્ર. લેફ. જનરલ ચંદ્ર ઉપ સેના પ્રમુખ રહી ચૂક્યા છે. તેમનું સ્વાગત વિદેશમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા સુષ્મા સ્વરાજે કર્યું હતું.

લેફ. જનરલ શરત ચંદ્ર 1979માં ગઢવાલ રાઈફલ્સમાં જોડાયા હતા અને ગયા વર્ષે જૂન મહિનામાં સેના નિવૃત્ત થયા હતા. ભાજપમાં જોડાતા સમયે તેમણે કહ્યું કે તેમણે એવું ક્યારેય નહોતું વિચાર્યું કે તેઓ રાજકારણમાં સામેલ થશે. પરંતુ તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્ત્વ ક્ષમતા અને તેમની વિચારધારાથી ખાસ્સા પ્રેરિત થયા છે અને આથી જ તેમણે રાજકારણમાં આવવાનો નિર્ણય લીધો હતો. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે આજના સમયમાં ભારતને એક મજબૂત નેતાગીરીની જરૂર છે.

સેનામાં લગભગ 40 વર્ષ સેવા આપનાર લેફ જનરલ શરત ચંદ્રએ મોદી સરકારના વખાણ કરતા કહ્યું હતું કે દેશ અને સેના માટે જેટલું કાર્ય આ સરકારે કર્યું છે તેટલું અન્ય કોઈજ સરકારે નથી કર્યું. શરત ચંદ્રએ તો ત્યાં સુધી કહ્યું હતું કે પાર્ટીના રૂપમાં આજે ભારતીય ફૌજીઓની પહેલી પસંદ ભારતીય જનતા પાર્ટી જ છે.

લેફ્ટનન્ટ જનરલ શરત ચંદ્રએ શ્રીલંકામાં ઓપરેશન પવનની કમાન સાંભળી હતી જ્યારે તેમને ઇન્ડિયન આર્મીના પરમ વિશિષ્ટ સેવા મેડલથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે.