Featured|ગુજરાતગુજરાત

હવે પાટણમાં પણ કોંગ્રેસ તૂટી, 5 સરપંચો ભાજપમાં

હવે પાટણમાં પણ કોંગ્રેસ તૂટી, 5 સરપંચો ભાજપમાં

પૂર આવવાની સ્પષ્ટ આગાહી હોય અને એવામાં જ જો ડેમમાં ગાબડાં પડવા માંડે તો? ગુજરાતમાં કોંગ્રેસની હાલત એવી જ છે. દરરોજ ગુજરાતના વિવિધ સ્થળોએથી કોંગ્રેસી કાર્યકર્તાઓ કોંગ્રેસ છોડી રહ્યા હોવાના સમાચારો મળી રહ્યા છે. ગયા મહીને કોંગ્રેસના ધારાસભ્યો કોંગ્રેસ છોડીને ભાજપમાં સામેલ થયા હતા. હવે વારો આવ્યો છે કોંગ્રેસના સ્થાનિક નેતાઓનો તેમજ પાયાના કાર્યકર્તાઓનો જે કોંગ્રેસનો છેડો ફાડી રહ્યા છે.

ટિકિટની વહેંચણી દરમ્યાન કોંગ્રેસમાં જબરદસ્ત નારાજગી વર્તાઈ હતી અને હવે તેના આફ્ટરશૉક્સ આવી રહ્યા છે. હજી તો ત્રણ દિવસ પહેલા ખેડાના ધારાસભ્ય કાળુસિંગને ટીકીટ આપવાનું વચન તોડીને બિમલ શાહને ટીકીટ આપી દેવાતા કાળુસિંગે પોતાના સમર્થકો સાથે કોંગ્રેસ છોડી દીધી હતી.

આ અગાઉ કપડવંજના સ્થાનિક અને વરિષ્ઠ આગેવાનોએ પણ કોંગ્રેસને રામરામ કરી દીધા હતા. હવે વારો આવ્યો છે પાટણનો. ખેડાની ઘટનાની અસર જેમ કોંગ્રેસની જીલ્લા અને તાલુકા પંચાયતો તૂટી જવા પર પડી હતી તેવી જ રીતે હવે પાટણમાં પણ થવા જઈ રહ્યું છે. આજે પાટણના સાંતલપુર અને રાધનપુર તાલુકાના સભ્યો રાધનપુરમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીની સભામાં ભાજપમાં જોડાઈ ગયા હતા.

આ સભામાં પાટણ જીલ્લાના સીનાડ, લુનીચણા, ભાદીયા, પ્રદાસપુરા, આબીયાણાના સરપંચો તેમના લગભગ દોઢસો જેટલા સમર્થકો સાથે મુખ્યમંત્રીની હાજરીમાં ભાજપમાં જોડાઈ ગયા હતા.