Featured|દેશદેશ

રાહુલ ગાંધી સિતારામ કેસરી અને રાવ તમારા માતુશ્રીના વડીલ નહોતા?

રાહુલ ગાંધી સિતારામ કેસરી અને રાવ તમારા માતુશ્રીના વડીલ નહોતા?

ગઈકાલે રાહુલ ગાંધીએ ગુરુ-શિષ્ય પ્રથા અને વડિલોને અપાતા સન્માન અંગે બહુ ડાહી ડાહી વાતો કરી હતી. ખરેખર એમનું લક્ષ્ય ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીને ગાંધીનગરથી ટીકીટ ન આપવાના ભાજપના નિર્ણય પર હતો. રાહુલ ગાંધીએ આ ઘટનાનો સંદર્ભ લઈને નરેન્દ્ર મોદીએ અડવાણીને મંચ પરથી ધક્કા મારીને કે પછી ચપ્પલ મારીને ઉતારી દેવા જેવી અપમાનજનક ઉપમાનો ઉપયોગ કર્યો હતો.

પરંતુ રાહુલ ગાંધીએ દેશના વડાપ્રધાન અને ભારતના રાજકારણના વરિષ્ઠ સદસ્યનું અપમાન કરતા પહેલા તેમના મમ્મી સોનિયા ગાંધીને એક વાર પૂછી લેવું જોઈતું હતું કે તેમણે ભૂતપૂર્વ કોંગ્રેસ પ્રમુખ સિતારામ કેસરી અને દેશના ભૂતપૂર્વ વડાપ્રધાન પી વી નરસિંહ રાવ સાથે કેવો અપમાનજનક વ્યવહાર કર્યો હતો.

1998માં વરિષ્ઠ કોંગ્રેસી નેતા સિતારામ કેસરી કોંગ્રેસના પ્રમુખ પદે હતા. આ એવો સમય હતો જ્યારે નરસિંહ રાવે પાંચ વર્ષ શાસન ચલાવીને કોંગ્રેસમાંથી નહેરુ-ગાંધી પરિવારની અસર લગભગ દૂર કરી દીધી હતી. પરંતુ સોનિયા ગાંધીને આકાંક્ષાઓ પહેલા રાજકારણમાં જોડાવાની ના પાડ્યા બાદ હવે ઉંચી જઈ રહી હતી. આ એવો સમય હતો જ્યારે કોંગ્રેસ અટલ બિહારી વાજપેયીની ભાજપ સામે હારી ગઈ હતી અને વાજપેયી દેશના વડાપ્રધાન હતા.

હાર બાદ કોંગ્રેસમાં નેતાગીરી બદલવા અંગે ખુબ મનોમંથન ચાલી રહ્યું હતું. કોંગ્રેસ પાસે તે સમયે અર્જુન સિંગ કે પછી પ્રણબ મુખરજી જેવા વરિષ્ઠ નેતાઓ હતા જે સિતારામ કેસરીની જગ્યાએ સ્વાભાવિકપણે કોંગ્રેસ પ્રમુખ બની શકે તેમ હતા. પરંતુ સોનિયા ગાંધીએ પોતાની રમત રમવાની શરુ કરી. તેમણે અહમદ પટેલ, ગુલામ નબી આઝાદ, પ્રણબ મુખરજી, એ કે એન્ટની અને  જીતેન પ્રસાદની એક ટીમ બનાવી અને કેસરી હટાઓ ઝુંબેશ પાર્ટીની અંદર જ શરુ કરાવી.

પોતે સંસદ સભ્ય ન હોવા છતાં સોનિયા ગાંધી કેસરીની મરજી વિરુદ્ધ શરદ પવારની મદદથી કોંગ્રેસની પાર્લામેન્ટરી પાર્ટીમાં દાખલ થઇ ગયા. આ ઘટનાની એવી મોટી અસર પડી કે કેસરીના સમર્થકો એક પછી એક તેમનાથી હાથ પાછા ખેંચવા લાગ્યા અને કેસરીએ નિરાશ થઈને કોંગ્રેસ પક્ષના પ્રમુખ તરીકે રાજીનામું આપવું પડ્યું.

હજી તો આ સોનિયા ગાંધી રચિત નાટકનો પહેલો હિસ્સો હતો. કેસરીના રાજીનામાં બાદ ફરીથી કોંગ્રેસ પ્રમુખ નિયુક્ત કરવાની જરૂર પડી. સોનિયા ગાંધીએ પોતાના મનપસંદ કોંગ્રેસીઓના સમર્થનથી ઉમેદવારી કરી પરંતુ સિતારામ કેસરીને ફરીથી કોંગ્રેસ અધ્યક્ષ બનવું હતું એટલે એમણે પણ પોતાનો દાવો પેશ કર્યો. 8 માર્ચ 1998ના દિવસે કોંગ્રેસ પ્રમુખની ચૂંટણી નક્કી કરવામાં આવી.

સિતારામ કેસરી સમયસર કોંગ્રેસ મુખ્યાલય પહોંચી ગયા, પરંતુ ત્યાં જ એક અજીબ ઘટના બની. કેટલાક કોંગ્રેસી કાર્યકર્તાઓ જેને સોનિયા સમર્થક ગેંગે પહેલેથી જ ત્યાં તૈયાર રાખ્યા હતા તેમણે સિતારામ કેસરીને ઊંચકીને પાર્ટી મુખ્યાલયના બાથરૂમમાં પૂરી દીધા. આ સમયે કેસરીની ઉંમર એશી વર્ષ ઉપરની હતી. ‘લાંબો સમય રાહ જોયા બાદ પણ’ સિતારામ કેસરી જ્યાં કોંગ્રેસ પ્રમુખની ચૂંટણી થવાની હતી ત્યાં ન પહોંચતા જ્યારે સોનિયા ગાંધીને સર્વાનુમતે કોંગ્રેસના પ્રમુખ ચૂંટી લેવામાં આવ્યા.

સોનિયા ગાંધીનો પ્લાન સફળ ગયા બાદ સિતારામ કેસરીને બાથરૂમમાંથી મુક્ત કરવામાં આવ્યા અને જ્યારે તેઓ પેલા સ્થળે પહોંચ્યા ત્યારે પ્રણબ મુખરજી ત્યાં પક્ષના અધ્યક્ષ તરીકે આપેલી સેવાઓ બદલ સિતારામ કેસરીનો આભાર પ્રસ્તાવ વાંચીને સંભળાવી રહ્યા હતા. કેસરી આ દ્રશ્ય જોઇને સ્તબ્ધ થઇ ગયા અને બોલી પડ્યા, “અરે યેહ ક્યા કર રહે હો?” તરત જ સોનિયા ગાંધી અને તેમના સમર્થકોએ તેમને ચૂપચાપ જતા રહેવાનો ઈશારો કર્યો.

ભારત દેશની અર્થવ્યવસ્થાને મુક્ત કરવાનો શ્રેય જેમને આપવામાં આવે છે તેવા પી વી નરસિંહ રાવ સાથે તેમના મૃત્યુ બાદ સોનિયા ગાંધીએ અતિશય ખરાબ વ્યવહાર કર્યો હતો. પહેલા તો નરસિંહ રાવના અંતિમ સંસ્કાર પૂર્વ વડાપ્રધાન હોવા છતાં દિલ્હીમાં નહીં પરંતુ તેમના પૈતૃક રાજ્ય આંધ્રપ્રદેશની રાજધાની હૈદરાબાદ કરવાનું દબાણ તેમના પુત્ર પર કર્યું.

ત્યારબાદ જેમ સામાન્યતઃ બને છે તેમ કોઇપણ મોટો કોંગ્રેસી નેતા અવસાન પામે પછી તેને લોકોના અંતિમ દર્શન માટે થોડો સમય દિલ્હીના કોંગ્રેસ મુખ્યાલય પર રાખવામાં આવે છે તેની મંજૂરી પણ ન આપવામાં આવી. નરસિંહ રાવના કુટુંબીઓ અને સમર્થકો ઘણો સમય તેમના પાર્થિવ દેહ સાથે કોંગ્રેસ મુખ્યાલયના દરવાજે ઉભા રહ્યા પરંતુ એ દરવાજા ન જ ખુલ્યા.

આ છે કોંગ્રેસ પાર્ટીનો ભૂતકાળ જે પોતાના વડીલો અને માર્ગદર્શકોનું અપમાન સિવાય બીજું કોઈજ ચિત્ર ખડું નથી કરતો. રાહુલ ગાંધીએ પહેલા તો પોતાની માતાએ કોંગ્રેસના એક નહીં પરંતુ બે બે વરિષ્ઠ નેતાઓના કરેલા અપમાન અંગે ખુલાસો કરવો જોઈએ અને પછી તેણે અન્યો પર આંગળી ઉપાડવી જોઈએ.