Featured|દેશગુજરાતદેશ

મતદાનના દિવસે અવશ્ય મતદાન કરો અને સસ્તું ઇંધણ ભરાવો

મતદાનના દિવસે અવશ્ય મતદાન કરો અને સસ્તું ઇંધણ ભરાવો

આગામી 11 તારીખે લોકસભાની ચૂંટણીઓમાં મતદાનનું પ્રથમ રાઉન્ડ હાથ ધરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી માંડીને વિવિધ સેવાભાવી અને સાર્વજનિક સંસ્થાઓ તેમજ જાણીતી હસ્તીઓ મતદારોને મોટી સંખ્યામાં મતદાન કરવાન અપીલ કરી ચૂક્યા છે. હવે ઓલ ઇન્ડિયા પેટ્રોલિયમ ડિલર્સ એસોસિએશન (AIPDA) પણ મતદારોને મતદાન કરવા માટે પ્રોત્સાહિત કરવા માટે આગળ આવ્યું છે. AIPDA એ મતદાનના દિવસે મતદાન કરનાર વ્યક્તિને પોતાના એસોસિએશન સાથે જોડાયેલા પેટ્રોલ પંપ પરથી સસ્તું ઇંધણ આપવાની જાહેરાત કરી છે.

જો તમે મતદાનના દિવસે મતદાન કરીને ઇંધણ ભરાવશો તો તમને પ્રતિ લિટર 50 પૈસાનું વિશેષ ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. આમ કરીને AIPDA મતદાર જાગૃતિ અભિયાનમાં પોતાનો ફાળો આપવા માંગે છે. આ ઓફર AIPDA સાથે જોડાયેલા તમામ પેટ્રોલ પંપ પર મતદાનના દરેક રાઉન્ડના દિવસે સવારે 8 વાગ્યાથી સાંજે 8 વાગ્યા સુધી ઉપલબ્ધ રહેશે. સસ્તું ઇંધણ ભરાવવા માટે તમારે ફક્ત તમારી આંગળી પર લગાડવામાં આવેલી શાહી દેખાડવાની રહેશે.

આ જાહેરાતમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે એક વ્યક્તિને આ ઓફર અંતર્ગત વધુમાં વધુ 20 લિટર ઇંધણ આપવામાં આવશે. વધુમાં આ છૂટનો ભાર પેટ્રોલ પંપ માલિકો ઓઈલ કંપની કે સરકાર પર ન નાખતા પોતે જ વહન કરી લેશે.

દેશભરમાં લોકસભાની ચૂંટણીઓ 7 રાઉન્ડમાં થશે જેમાં પ્રથમ રાઉન્ડ 11 એપ્રિલે થશે જ્યારે અંતિમ રાઉન્ડ 19 મે ના દિવસે થશે.

તો તમે પણ તમારા રાજ્યોમાં જે દિવસે મતદાન હોય તે દિવસે મતદાન જરૂર કરશો અને પોતાના વાહનોમાં સસ્તું ઇંધણ પણ જરૂર ભરાવજો.