Featured|ગુજરાતગુજરાત

કોંગ્રેસમાં છે અસંતોષની આગ, ભાજપમાં છે એકતાની જ વાત

અમિત ચાવડા અને પરેશ ધાનાણીને દિલ્હી કેમ દોડવું પડ્યું?

ગુજરાતમાં જ્યારે જ્યારે ચૂંટણી આવે છે ત્યારે કોંગ્રેસમાં અસંતોષની આગ જોવા મળતી હોય છે. અને ટિકિટ વહેચણીમાં ક્યાંકને ક્યાંક નેતાઓમાં કકડાટ શરૂ થઈ જતો હોય છે. ત્યારે 2019ની લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસમાં આ જ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે, કારણ કે મતદાનને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, તેમ છતા ગુજરાતની અલગ અલગ બેઠકો ઉપર કોંગ્રેસે જે ઉમેદવારો નક્કી કર્યા છે તે ઉમેદવારો સામે જ કોંગ્રેસના કાર્યકર્તા તેમજ નેતાઓ વચ્ચે રોષની લાગણી સ્પષ્ટ જોવા મળી રહી છે.

2019ની લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસે પોતાના ઉમેદવારો જાહેર કર્યા બાદ પાંચ બેઠકો ઉપર કોંગ્રેસમાં અંદર વિખવાદ શરૂ થઈ ગયો છે, અને કોંગ્રેસમાં અંદરોઅંદર જ જૂથવાદ વધી રહ્યો છે. અને આ જૂથવાદને શાંત કરવા માટે કોંગ્રેસ પ્રદેશ પ્રભારી રાજીવ સાતવ અને પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ ધમપછાડા શરૂ કરી દીધા છે. કોંગ્રેસને જે બેઠકો ઉપર હારનો ભય સતાવી રહ્યો છે તે બેઠકોમાં સુરેન્દ્રનગર, ખેડા, બનાસકાંઠા, સાબરકાંઠા અને અમદાવાદ પૂર્વ નો સમાવેશ થાય છે, અને આ પ્રકારની બેઠકો ઉપર પક્ષથી રિસાઈ ગયેલા નેતાઓને સમજાવવા અને જે ઉમેદવારે અપક્ષ ઉમેદવારી કરી હોય તેવા તમામ ઉમેદવારોને પક્ષ ભેગા કરવાના પ્રયાસો ચાલી રહ્યા છે.

સુરેન્દ્રનગર બેઠકની વાત કરવામાં આવે તો, આ બેઠક ઉપર લાલજી મેરે અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી છે. જો આ અપક્ષ ઉમેદવાર તરીકે લાલજી મેરનો વિજય થશે તો કોંગ્રેસના ઉમેદવાર સોમા ગાંડા પટેલનો ગરબો ઘરે આવે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે.

બનાસકાંઠા લોકસભા બેઠકની વાત કરવામાં આવે તો આ બેઠક પરથી અલ્પેશ ઠાકોરની ઠાકોર સેનાના બે લોકોએ અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી છે અને તેની સાથે જ સાબરકાંઠા બેઠક ઉપરથી પણ અલ્પેશના સમર્થકોએ અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી છે. ઠાકોર સેનાના ઉમેદવારો દ્વારા નોંધવામાં આવેલી ઉમેદવારીના કારણે કોંગ્રેસને ઘણું નુકસાન પહોંચે છે. ત્યારે ઠાકોર સેનાના ઉમેદવારોને કારણે તે વિસ્તારમાં કોંગ્રેસ ડેમેજ થશે તેવી શક્યતાઓ સેવાઇ રહી છે. કોંગ્રેસ દ્વારા અહીં પણ કંટ્રોલ કરવા માટેના પ્રયાસો ચાલી રહ્યા છે.

ગુજરાતમાં જ્યારે ચૂંટણી આવે ત્યારે ભાજપ અને કોંગ્રેસમાં ટિકિટ વહેચણી લઈને ખૂબ અંતર જોવા મળે છે. કારણ કે જ્યારે કોંગ્રેસમાં ટિકિટની વહેચણી શરૂ કરવામાં આવી  ત્યારે અંદરોઅંદર જૂથવાદ જ જોવા મળતો હોય છે, અને તેના કારણે અમદાવાદ પાલડી ખાતે આવેલી કોંગ્રેસના કાર્યાલયને પણ પોલીસ પ્રોટેકશન આપવાની જરૂર પડતી હોય છે. ત્યારે બીજી તરફ ભારતીય જનતા પાર્ટીમાં જ્યારે ટિકિટની વહેંચણી કરવામાં આવે ત્યારે નેતાઓમાં કોઈપણ પ્રકારની જૂથવાદની લાગણી નથી જોવા મળતી અને પક્ષે જે ઉમેદવારને ટિકિટ આપી હોય તેને તમામ કાર્યકર્તાઓ રાજીખુશીથી સ્વીકારી તે ઉમેદવારને જંગી લીડ સાથે વિજય થાય તે પ્રકારની કામગીરીમાં લાગી જતા હોય છે.