Featured|દેશદેશ

6000 લોકોને રાજદ્રોહ હેઠળ જેલભેગા કરનારા આજે તેનો વિરોધ કરી રહ્યા છે: મોદી

6000 લોકોને રાજદ્રોહ હેઠળ જેલભેગા કરનારા આજે તેનો વિરોધ કરી રહ્યા છે: મોદી

ABP ન્યૂઝને આપેલી એક ખાસ મુલાકાતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આવનારી લોકસભાની ચૂંટણીઓ તેમજ અસંખ્ય વિષયો પર પોતાનું મંતવ્ય આપ્યું હતું. ચાલો જોઈએ વડાપ્રધાનની મુલાકાતના વિશેષ અંશ.

 • ચૂંટણીની વિધિવત જાહેરાત થયા બાદ ગયા અઠવાડિયે જ મેં મારો પ્રચાર શરુ કર્યો છે. જો કે હું છેલ્લા 45 વર્ષથી સતત ભ્રમણ કરી રહ્યો છું. ગઈ ચૂંટણીમાં મેં 60 વર્ષના શાસન સામે મને 60 મહિનાનું શાસન આપવાની વિનંતી કરી હતી. હવે આ 60 મહિનાના મારા કાર્યકાળ દરમ્યાન જો તમને સંતોષ થયો હોય એવું કાર્ય મેં કર્યું હોય તો તેનો શ્રેય મને નહીં પરંતુ તમને જાય છે.
 • અત્યારસુધી કોંગ્રેસ ગોત્રના ન હોય એવા બે જ વડાપ્રધાન થયા છે એક અટલજી અને બીજો હું. પહેલીવાર દેશ અનુભવી રહ્યો છે કે કોંગ્રેસની વિચારધારા વાળી અને કોંગ્રેસની વિચારધારા વગરની સરકાર વચ્ચે શો ફરક હોય છે.
 • કોંગ્રેસે 60 વર્ષ સુધી દેશ પર શાસન કર્યું. શાસનની આંટીઘૂંટીથી કોંગ્રેસે સૂપેરે વાકેફ છે પરંતુ તેમણે ભાજપ કરતા પણ શાનદાર વચનો આપવાને બદલે પોતાના ઘોષણાપત્રમાં શોર્ટકટ અપનાવ્યો જે નિરાશાજનક છે.
 • કોંગ્રેસે સદાય શોર્ટકટ અપનાવ્યો છે. તેમના શાસન હેઠળના પાંચ રાજ્યોમાં પણ તેણે ઢગલાબંધ વચનો આપ્યાં પરંતુ પરિણામ શું છે? 2004માં તેમણે ઘેરઘેર વીજળી પહોંચાડવાનો વાયદો કર્યો હતો પણ 2014 સુધીમાં પણ પૂર્ણ ન કર્યો જેને મારી સરકારે 2019 આવતાં આવતાં પૂર્ણ કર્યો.
 • કોંગ્રેસ AFSPA કાયદો હટાવી લેવા માંગે છે તો ભલે કરે પરંતુ તેની પહેલા નિયમિતપણે સમીક્ષા થવી જોઈએ. જેમકે અરુણાચલ પ્રદેશને અમે ખતરનાક પરિસ્થિતિઓમાંથી બહાર લાવ્યા અને બાદમાં ત્યાંથી AFSPA હટાવ્યો. તમે પોતે જ ટુકડે ટુકડે ગેંગની ભાષા બોલી રહ્યા છો તો આ દેશ કેમ ચાલશે?
 • કોંગ્રેસ દેશદ્રોહનો કાયદો હટાવવા માંગે છે પરંતુ તમિલનાડુમાં ન્યૂક્લિયર પાવર પ્લાન્ટનો વિરોધ કરનારા 6000થી પણ વધુ લોકોને આ જ કાયદા હેઠળ કોંગ્રેસી સરકારે જેલભેગા કર્યા હતા. આજે તેઓ દુનિયાને ઉપદેશ આપી રહ્યા છે. જે લોકો દેશદ્રોહ કરી રહ્યા છે તેમના પર રાજદ્રોહ કાયદા હેઠળ કામ ચાલવું જોઈએ.
 • PDP સાથે ગઠબંધન એટલે કર્યું કારણકે જમ્મુ અને કાશ્મીરમાં અન્ય કોઈ પક્ષ સરકાર બનાવે તેવી પરિસ્થિતિ જ ન હતી. મુફ્તી સાહેબ સિનીયર અને મેચ્યોર નેતા હતા અને એટલેજ તેઓ સમજી શકતા હતા. જો મુફ્તી સાહેબે કોઈ સમસ્યા ઉભી કરી હોત તો અમે જરૂરથી વિપક્ષમાં બેસવા તૈયાર હતા.
 • બહુ સિમ્પલ વાત છે, પાકિસ્તાન આતંકવાદ એક્સપોર્ટ કરવાનું બંધ કરી દે, અમે વાત કરવા તૈયાર છીએ. બસ એક વાર તે આમ નક્કી કરી લે કે આતંકવાદને એક્સપોર્ટ નથી કરવો. ચીન સાથે પણ આપણે વિવાદ છે, ઘણા વિવાદો છે પરંતુ તેમ છતાં તેમની સાથે વાતો ચાલુ છે, અમે નક્કી કરી લીધું છે કે મતભેદો ભલે હોય પરંતુ તેનો વિવાદ ઉભો ન થવો જોઈએ. બસ ચીન સાથે આમ જ અમારી ગાડી ચાલી રહી છે.
 • બાલાકોટ એરસ્ટ્રાઈકનું મૂળ પ્રમાણ જ એ છે કે પાકિસ્તાની સેનાએ તે અંગે ટ્વીટ કરી હતી. પાકિસ્તાનને તકલીફ એ વાતની છે કે જો અમે સૈનિક કાર્યવાહી કરી હોત તો તે આખી દુનિયામાં બૂમો પાડત, પરંતુ અમારું લક્ષ્ય માત્ર આતંકવાદ હતું.
 • સોનિયા, રાહુલ અને વાડ્રા પર ચાલી રહેલા કેસ કોઈજ કાવતરું નથી. લાલુ સામે કાર્યવાહી ગત સરકારના શાસનકાળમાં શરુ થઇ હતી, સજા મારા શાસનકાળમાં થઇ તો શું આ મારું કાવતરું છે? પરિવાર પર આરોપો 2008-09માં લાગ્યા હતા એ અમે ફક્ત સત્યનો પક્ષ આગળ મૂક્યો છે.
 • બનારસમાં ગયા વખતે હું ચૂંટણી લડ્યો ત્યારે મને એ સમયની યુપી સરકારે અને ત્યાંના ઈલેક્શન કમિશને એક સભા કરવાની પણ મંજૂરી નહોતી આપી. ફોર્મ ભરવા રોડ શો કરીને સભાનું આયોજન હતું, પરંતુ જેવો ઓફિસે જઈને ફોર્મ ભર્યું કે સભાની મંજૂરી રદ્દ કરવામાં આવી અને મિડીયામાં આ અંગે કોઈ ચર્ચા પણ ન થઇ.
 • રાહુલ ગાંધી અમેઠીમાં મુશ્કેલી અનુભવી રહ્યા છે એટલે જ વાયનાડ ગયા છે.
 • બધાં જ ઈચ્છે છે કે રામ મંદિર બનવું જોઈએ, પરંતુ કાયદાકીય પ્રકિયા પૂર્ણ થયા બાદ. આપણે ઈચ્છીએ કે આ પ્રક્રિયા બને તેટલી જલ્દીથી પૂર્ણ થાય.
 • હું તેમનું (રાહુલ ગાંધી) નામ મારા ભાષણોમાં એટલે નથી લેતો કારણકે તેઓ મોટા નામદાર છે, હું ચાવાળાના પરિવારમાંથી આવું છું મારી હિંમત નથી કે હું તેમનું નામ લઉં. આ તો દેશની પ્રજાએ મને વડાપ્રધાન બનાવી દીધો બાકી મારો ઉછેર એવા સામાન્ય લોગો દ્વારા થયો છે જે એમનું નામ લેવાની હિમાકત ન કરી શકે.
 • યુપીમાં સપા અને બસપાનું ગઠબંધન પડકાર જરૂર છે અને દરેક રાજકીય પક્ષે પડકારનો સામનો કરવા પોતાની કમર કસવી જ જોઈએ.
 • આપણે મુસલમાનો માટે સરકારે શું કર્યું? હિંદુઓ માટે સરકારે શું કર્યું એવી માનસિકતાનો ત્યાગ કરવો જોઈએ. મારી સરકારે જે કોઇપણ કાર્ય કર્યા, વીજળી પહોંચાડી, મફતમાં ગેસ કનેક્શન્સ આપ્યા એ ભારતના નાગરિકને આપ્યા હતા. માટે જ હું સબકા સાથ સબકા વિકાસ કહેતો હોઉં છું. મુસ્લિમોએ પાકિસ્તાન જતું રહેવું જોઈએ જેવી ભાષાનો હું સ્વીકાર નથી કરતો. આવું કહેનારાઓ પર મારી પાર્ટી કડક કાર્યવાહી કરે છે.
 • નોટબંધીના ફાયદા મેં સમજાવ્યા છે અને વારંવાર સમજાવતો રહીશ કે તેનાથી ફોર્મલ ઈકોનોમીને પ્રોત્સાહન મળ્યું છે અને કરદાતાઓની સંખ્યા બમણી થઇ છે.
 • મુદ્રા યોજના હેઠળ 17 કરોડ લોકોને વગર ગેરંટી લોન મળી જેમાંથી 25 લાખને તો પ્રથમવાર લોન મળી. શું આ લોકો રોજગારી નથી કરતા? જ્યારે રેકોર્ડ સંખ્યામાં લોકો વાહનો ખરીદે છે ત્યારે શું રોજગારી ઉભી નથી થતી? પરંતુ જો તમે હકીકતને માનવા જ તૈયાર ન હોવ તો પછી બીજું શું થઇ શકે? અટલજીના સમયમાં છ કરોડ રોજગારી વધી હતી જ્યારે તેમના સમયમાં દોઢ કરોડ રોજગારી વધી હતી. સત્યને સફેદ જૂઠમાં કેમ પરિવર્તિત કરવું તેની એ લોકોની આખી એક ઈકોસિસ્ટમ છે જેમાં લોકો ફસાઈ જાય છે.
 • ભાગેડુઓ પર લેવાયેલા પગલાંઓને આજે આખો દેશ જોઈ રહ્યો છે. ભાગેડુઓ જેલમાં જઈ રહ્યા છે, તેમની સારી સંપત્તિ જપ્ત થઇ રહી છે. તેમને ખબર પણ ન હતી કે કોઈ એવી સરકાર છે જે તેમની પાસેથી નાણા કાઢવશે.
 • હું તમામને અપીલ કરીશ કે મત જરૂર આપે. ગરમી ઘણી છે તો શક્ય હોય તો પોતાની સાથે પાણીની એક બોટલ લઇ જાય પરંતુ મત જરૂર આપો. ચૂંટણી એ લોકતંત્રનો ઉત્સવ છે. કોને મત આપવો એ તમારી મરજી છે, પરંતુ મતદાન અવશ્ય કરશો.