Featured|દેશદેશ

કાશ્મીરમાં 919 લોકોનું સુરક્ષા કવચ હટાવી દેવાનો કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય

કાશ્મીરમાં 919 લોકોનું સુરક્ષા કવચ હટાવી દેવાનો કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે આજે એક મોટો નિર્ણય લેતા જમ્મુ અને કાશ્મીરના 919 લોકોની સુરક્ષા પરત ખેંચી લીધી છે. આ લોકોમાં 22 ભાગલાવાદી આગેવાનો પણ સામેલ છે. પોતાના નિર્ણયમાં ગૃહ મંત્રાલયે આ લોકોને આ પ્રકારની સુરક્ષા મેળવવા માટે ‘ગેરલાયક’ ઠેરવ્યા છે.

ગૃહ મંત્રાલયનું એમ પણ કહેવું છે કે આ લોકોને સુરક્ષા આપવી એ રાજ્યમાં પહેલેથી જ દુર્લભ બની ગયેલા પોલીસ જવાનોની સેવા લેવાનો દુરુપયોગ છે. કેન્દ્ર સરકારે એ નોંધ્યું છે કે આવા ગેરલાયક લોકોની સુરક્ષામાં પોલીસ જવાનોને રોકી દઈને સામાન્ય લોકોની સુરક્ષામાં કમી આવતી હોય છે.

આ પ્રકારનું પગલું લઈને કેન્દ્ર સરકારે એ સ્પષ્ટ સંકેત આપી દીધો છે કે દેશ વિરોધી પ્રવૃત્તિમાં લિપ્ત લોકોને હવે સાંખી નહી લેવાય. એક આંકડા અનુસાર કેન્દ્ર સરકારના આ એક કદમથી હવે 2,768 પોલીસ જવાનો અને 389 પોલીસ વાહનો જમ્મુ અને કાશ્મીરની  સામાન્ય જનતાની સેવા અને સુરક્ષા માટે કામમાં આવી શકશે.

અગાઉ પણ કેન્દ્ર સરકારે 22 અલગતાવાદી નેતાઓ અને 155 રાજકીય નેતાઓની સુરક્ષા હટાવી દીધી હતી.