Featured|ગુજરાતગુજરાત

એ જે પટેલને ટીકીટ આપીને કોંગ્રેસે ઠાકોર સેનાના ઘા પર મીઠું ભભરાવ્યું

એ જે પટેલને ટીકીટ આપીને કોંગ્રેસે ઠાકોર સેનાના ઘા પર મીઠું ભભરાવ્યું

મહેસાણા લોકસભા બેઠક પર કોંગ્રેસે એ જે પટેલને ટીકીટ આપી છે અને આમ કરવાથી તેણે માત્ર ઠાકોર સેના જ નહીં પરંતુ મહેસાણાના કોંગ્રેસ કાર્યકર્તાઓના ઘા પર પણ મીઠું ભભરાવવાનું કામ કર્યું છે. ઠાકોર સેનાએ પહેલેથી જ ઉત્તર ગુજરાતમાં ઓછામાં ઓછી ચાર બેઠકો પર પોતાના કાર્યકર્તાઓને ટીકીટ આપવાનું કહ્યું હતું જેમાં મહેસાણા પણ સામેલ છે.

પહેલા પાટણ અને પછી બનાસકાંઠા અને સાબરકાંઠા બાદ હવે મહેસાણામાં પણ ઠાકોર સેનાના એક પણ વ્યક્તિને ટીકીટ ન અપાતા ઠાકોર સેનાએ લગભગ બળવો પોકારી દીધો છે. આજે અમદાવાદના રાણીપ વિસ્તારમાં ઠાકોર સેનાની એક ખાસ બેઠક આયોજિત થઇ રહી છે જેમાં આગળની રણનીતિ નક્કી કરવામાં આવશે જેમાં મોટેભાગે કોંગ્રેસથી છેડો ફાડી નાખવા સુધીનો નિર્ણય લેવામાં આવી શકે છે.

એ જે પટેલને મહેસાણાથી ટીકીટથી કોંગ્રેસ કાર્યકર્તાઓ પણ રોષે ભરાયા છે. કાર્યકર્તાઓનું કહેવું છે કે તેમને પ્રદેશ કોંગ્રેસ તરફથી એવું વચન આપવામાં આવ્યું હતું કે રાહુલ ગાંધીના શક્તિ પ્રોજેક્ટમાં નામ લખાવનાર અને બૂથ લેવલે કામ કરનાર કાર્યકર્તાને જ મહેસાણાની ટીકીટ આપવામાં આવશે જ્યારે એ જે પટેલ ન તો શક્તિ પ્રોજેક્ટમાં નામ લખાવનારમાં સામેલ છે કે ન તો તેમણે ક્યારેય બૂથ લેવલે કાર્ય કર્યું છે.

જ્યારે સ્થાનિક વરિષ્ઠ કોંગ્રેસી આગેવાનો એ જે પટેલને ટીકીટ આપવાથી એટલે રોષે ભરાયા છે કારણકે તેમને પ્રદેશ કોંગ્રેસે એમ કહ્યું હતું કે અહીંથી મૂળ કોંગ્રેસીને જ ટીકીટ આપવામાં આવશે જ્યારે એ જે પટેલ હજી છ મહિના અગાઉ જ કોંગ્રેસમાં આવ્યા છે.

આમ માંડમાંડ કોંગ્રેસે 26 ઉમેદવારો ભેગા તો કરી લીધા છે પરંતુ મોટાભાગના ઉમેદવારો માટે સ્થાનિક સ્તરે ક્યાંકને ક્યાંક તેમના વિરુદ્ધ રોષ દેખાઈ રહ્યો છે તે સ્પષ્ટ છે.