Featured|દેશFeatured|ગુજરાતગુજરાત

અહમદ પટેલના રણમેદાન છોડવા પાછળનું ખરું કારણ

અહમદ પટેલના રણમેદાન છોડવા પાછળનું ખરું કારણ

હજી સોમવારે તો ભરૂચ બેઠક પર અહમદ પટેલ કોંગ્રેસ તરફથી આવનારી લોકસભાની ચૂંટણી માટે ઉમેદવારી કરશે એવી અટકળો વહેતી થઇ હતી જેના પર ગઈકાલે સાંજે પૂર્ણવિરામ લાગી ગયું હતું. ભરૂચ બેઠક પર હવે શેરખાન પઠાણને કોંગ્રેસે ટીકીટ આપી છે. અહમદ પટેલને તો આ લોકસભા ચૂંટણી લડવાની ખુબ ઈચ્છા હતી કારણકે કોંગ્રેસની કેન્દ્રીય નેતાગીરીએ તેમને આ અંગે પ્રોત્સાહિત કર્યા હતા.

અહમદ પટેલ જ્યારે ઉમેદવારી પત્ર ભરવા માટે લગભગ તૈયાર થઇ ગયા હતા ત્યારેજ ગુજરાતની આંતરિક નેતાગીરીમાંથી તેમના વિરુદ્ધ ગણગણાટ શરુ થઇ ગયો હતો. આ સમાચાર અહમદ પટેલ પાસે પણ પહોંચ્યા હતા.

કોંગ્રેસની કેન્દ્રીય નેતાગીરીની એવી ઈચ્છા હતી કે જો ભરૂચ બેઠક પરથી અહમદ પટેલ લડે તો દક્ષિણ ગુજરાતની તમામ બેઠકો પર તેમની હાજરીની હકારાત્મક અસર થાય, પરંતુ ગુજરાત કોંગ્રેસની નેતાગીરી જૂથવાદમાં એટલી બધી લિપ્ત છે કે તેને આ આઈડિયા પસંદ આવ્યો ન હતો અને અહમદ પટેલ વિરુદ્ધ પ્રચાર શરુ કરી દીધો હતો.

અધૂરામાં પૂરું BKTના નેતા અને અહમદ પટેલના અંગત મિત્ર છોટુભાઈ વસાવાએ ત્રણ દિવસ પહેલા જ પોતે બુધવારે ભરૂચ બેઠકથી ઉમેદવારી પત્ર ભરશે તેવી જાહેરાત થતા જ અહમદ પટેલે છેવટે રણમેદાન છોડવાનું જ મુનાસીબ માન્યું હતું.

એક તો ભરૂચ ભાજપની પરંપરાગત બેઠક રહી છે અને ગુજરાત કોંગ્રેસની આંતરિક ખેંચતાણ ઉપરાંત છોટુભાઈ વસાવાની હાજરી આ બંને તત્વો અહમદ પટેલને હરાવવા માટે પૂરતા હતા એ અહમદ પટેલ જેવો અનુભવી રાજકારણી ન સમજે તો જ નવાઈ. આમ આ બંને મુખ્ય કારણોસર અહમદ પટેલે છેક છેલ્લી ઘડીએ ભરૂચ બેઠક પરથી ચૂંટણી ન લડવાનો નિર્ણય કર્યો હતો.