Featured|દેશદેશ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી UAEના પ્રતિષ્ઠિત ઝાયેદ મેડલથી સન્માનિત

વડાપ્રધાન નરેન્દ્ર મોદી UAEના પ્રતિષ્ઠિત ઝાયેદ મેડલથી સન્માનિત

UAEના ક્રાઉન પ્રિન્સ શેખ ખલિફા બિન ઝાયેદ અલ નહ્યાને જાહેરાત કરી છે કે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આ વર્ષના ઝાયેદ મેડલથી સન્માનિત કરવામાં આવશે જે રાજાઓ, રાષ્ટ્રપતિઓ તેમજ રાષ્ટ્રાધ્યક્ષોને UAE દ્વારા આપવામાં આવતું સર્વોચ્ચ સન્માન છે.

નરેન્દ્ર મોદીને આ સન્માન ભારત અને UAE વચ્ચે લાંબા સમયની દોસ્તી અને સંયુક્ત વ્યુહાત્મક ભાગીદારીને મજબૂત બનાવવાના તેમના પ્રયાસો બદલ આપવામાં આવશે.

શેખ અલ નહ્યાને કહ્યું હતું કે વડાપ્રધાન મોદીએ વ્યાપક વ્યુહાત્મક સંબંધોના સ્તરે દ્વિપક્ષીય સંબંધોની વૃદ્ધિ કરવા માટે અત્યંત મહત્ત્વની ભૂમિકા ભજવી છે. તેમણે ઉમેર્યું હતું કે મારા પ્રિય મિત્ર અને ભારતના વડાપ્રધાનને ઝાયેદ મેડલ આપવાની ઘોષણા કરીને અમે વિવિધ ક્ષેત્રોમાં UAE અને ભારતીય ગણરાજ્ય વચ્ચે વિકાસશીલ મૈત્રીપૂર્ણ સંબંધો અને સહકારના સેતૂ ઉભા કરવાની તેમની ભૂમિકાની પ્રશંસા કરી રહ્યા છીએ.

શેખ ઝાયેદે બાદમાં ભારત અને UAE વચ્ચેના ઐતિહાસિક સંબંધોને યાદ કર્યા હતા અને ભારતીય સમાજમાં વ્યાપ્ત અનેકતા, સહિષ્ણુતા, સહભાગિતા અને સન્માનની ભાવનાઓની પ્રશંસા કરી હતી. ત્યારબાદ તેમણે આશા વ્યક્ત કરી હતી કે ભારત અને UAEની પ્રજા સાથે મળીને વિકાસ, સુખાકારી, સુરક્ષા અને સ્થિરતાના માર્ગે આગળ વધશે.

ગયા વર્ષે આ સન્માન ચીનના રાષ્ટ્રપતી શી જીનપીંગને મળ્યું હતું.

શેખ ઝાયેદની જાહેરાત બાદ વિદેશમંત્રી સુષ્મા સ્વરાજ અને કાયદામંત્રી રવિ શંકર પ્રસાદે શેખ ઝાયેદને ધન્યવાદ આપ્યા હતા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અભિનંદન પાઠવ્યા હતા.