Featured|દેશદેશ

VIDEO: મધ્યમવર્ગ સેલ્ફીશ ન બને અને વધુ ટેક્સ ભરે: સેમ પિત્રોડા

VIDEO: મધ્યમવર્ગ સેલ્ફીશ ન બને અને વધુ ટેક્સ ભરે: સેમ પિત્રોડા

થોડા દિવસો અગાઉ બાલાકોટનાં આતંકવાદી કેમ્પો પર દેશની વાયુસેનાએ કરેલા હુમલાઓ પર સવાલ ઉઠાવનાર કોંગ્રેસના નેતા અને કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીના મુખ્ય સલાહકાર સેમ પિત્રોડાએ હવે મધ્યમવર્ગની મશ્કરી કરતા તેને સેલ્ફીશ કહ્યો છે.

એક ટીવી ન્યૂઝ ચેનલને ઇન્ટરવ્યુ આપતા સેમ પિત્રોડાએ ઉપર મુજબનું વિધાન કર્યું હતું. જ્યારે એન્કરે પિત્રોડાને સવાલ કર્યો કે કોંગ્રેસની NYAY સહિતની આટલી બધી ગરીબલક્ષી યોજનાઓ જે તેણે પોતાના ઘોષણાપત્રમાં જાહેર કરી છે શું તેને લીધે મધ્યમવર્ગે વધુ ટેક્સ ભરવો પડશે? પહેલા તો આ સવાલના જવાબમાં સેમ પિત્રોડાએ ના પાડી, પરંતુ પછી તરતજ હકીકત સમજાતા તેમણે કહ્યું કે ગરીબો પણ આપણા જ ભાઈઓ છે અને મધ્યમવર્ગે તેમના માટે ‘થોડો વધુ ટેક્સ’ ભરવો પડે તો એમાં વાંધો શું છે?

કોઇપણ મધ્યમવર્ગીય વ્યક્તિને સેમ પિત્રોડાના આ બયાનથી હજી કળ વળે તે પહેલા જ પિત્રોડાએ બીજો બોમ્બ ફોડતા કહ્યું હતું કે મધ્યમવર્ગે સેલ્ફીશ બનવું ન જોઈએ!

આ અગાઉ કોંગ્રેસના આર્થિક સલાહકાર અભિજિત બેનરજીએ પણ એક બયાનમાં કહ્યું હતું કે કોંગ્રેસની NYAY યોજનાને લાગુ કરવા માટે એક જ ઉપાય છે અને તે છે નવા કરવેરા નાખવા અથવાતો હાલના કરવેરાના દરમાં વધારો કરવો.

આની સામે હાલની NDA સરકારે તેના શાસનકાળમાં સતત કરવેરામાં ઘટાડો જ કર્યો છે જે ભારતના ઇતિહાસમાં પહેલીવાર બન્યું છે. પહેલા તો GST લાવીને 15 થી 20 પ્રકારના ટેક્સ નાબૂદ કરીને સમગ્ર ભારતમાં એક જ ટેક્સ લાવી દીધો. ત્યારબાદ ચાર વર્ષ સુધી આવકવેરામાં વધારો ન કર્યો અને આ વર્ષે બજેટમાં વાર્ષિક 5 લાખની આવક ધરાવનારાની સંપૂર્ણ આવક કરમુક્ત કરી દીધી.

વધુમાં આ વર્ષે બજેટ રજૂ કરતી વખતે વચગાળાના નાણામંત્રી પીયુષ ગોયલે એ તમામ મધ્યમવર્ગીય કરદાતાઓનો આભાર માન્યો હતો જેઓ પ્રમાણિકતાથી દર વર્ષે પોતાના કર ભરે છે અને દેશના અર્થતંત્રને દોડતું રાખે છે. આ પ્રકારે કોઈ ભારતીય નાણામંત્રીએ મધ્યમવર્ગનો આભાર માન્યો હોય એવી પહેલી ઘટના હતી, જ્યારે કોંગ્રેસના સેમ પિત્રોડા જે શ્રીમંત છે તેઓ મધ્યમવર્ગીય લોકોને એક તરફ તેમના પક્ષની સરકાર આવશે તો કરભારણ વધારવાની ધમકી આપતા તેમને સેલ્ફીશ ન થવાની સલાહ આપે છે.