Featured|ગુજરાતગુજરાત

કોંગ્રેસ માટે હાર્દિક પટેલ એટલે? ‘મફતનું ચંદન ઘસ બે લાલિયા!’

292views

કોંગ્રેસ માટે હાર્દિક પટેલ એ સાવ મફતમાં મળેલું શસ્ત્ર છે. આ શસ્ત્ર હવે કેટલું ધારદાર રહ્યું છે તે તો બધા જાણે જ છે પણ આવનારી લોકસભાની ચૂંટણી બાદ પણ કોંગ્રેસ પોતાના આ મફતિયા શસ્રનો ઉપયોગ કરવાનો બંધ નહીં કરે તેની ખાતરી રાખજો.

પાટીદાર અનામત આંદોલન પાછળનો હેતુ જ એ  હતો કે ગુજરાતમાં કાયદો અને  ન્યાયની વ્યવસ્થાને જે છેલ્લા લગભગ દોઢ દાયકાથી જડબેસલાક જળવાઈ રહી હતી તેને આંચકો આપવો. બાકી, આ આંદોલનના પ્રણેતા કોંગ્રેસને પણ ખબર હતી જ કે બંધારણમાં ફેરફાર કર્યા વગર કોઇપણ સવર્ણ જ્ઞાતિને અનામત આપી શકાય નહીં. આથી જ કોંગ્રેસે અણસમજ પરંતુ જીવનમાં ગમેતે ભોગે આગળ વધવાની એષણા રાખતા યુવાનોને પસંદ કર્યા જેમાંથી થોડો વધુ પડતો ઉત્સાહી એવા હાર્દિક પટેલને આ યુવાનોનું સુકાન સોંપવામાં આવ્યું.

પછી તો જે થયું એ ઈતિહાસ છે, પરંતુ જેમ જેમ ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવતી ગઈ તેમ તેમ હાર્દિક અને PAASના કન્વીનરો કોંગ્રેસ સાથે કેટલી મજબૂતીથી જોડાયેલા છે તેના પૂરાવાઓ મળતા ગયા. જે આંદોલનનો સહારો લઈને કોંગ્રેસને ગાંધીનગરની ગાદી સર કરવી હતી તે તો ન થઇ શકી પણ હાર્દિક પટેલને પોતાના બે-લગામ જોશને લીધે રાજદ્રોહ જેવા અત્યંત ગંભીર આરોપો ખાતર જેલમાં જવું પડ્યું.

પરંતુ કોંગ્રેસને હાર્દિકની ક્યાં પડી હતી? તેને તો ગમે તે ભોગે ગુજરાતની સત્તા હાંસલ કરવી હતી જે હવે બીજા પાંચ વર્ષ તેનાથી દૂર થઇ ગઈ. હવે આવ્યો વારો લોકસભાની ચૂંટણીનો. હાર્દિક તો વિધાનસભાની ચૂંટણીઓ અગાઉ જ ખુલ્લો પડી ગયો હતો અને જે રીતે તેની આર્થિક સમૃદ્ધિમાં અચાનક વૃદ્ધિ થઇ તે જોઇને સામાન્ય જનતાને પણ તેના પર થયેલી શંકા પાક્કી થવા લાગી. આટલું જ નહીં હાર્દિકના પૂર્વ સાથીઓ તેનાથી દૂર થવા લાગ્યા. PAASમાં ફાંટા પડી ગયા અને તેના કાર્યકરો આપસમાં જ ઝઘડવા લાગ્યા.

હાર્દિક પાસે હવે ખુલ્લેઆમ કોંગ્રેસનો હાથ પકડવા સિવાય બીજો કોઈજ રસ્તો ન હતો. આથી તેણે રાહુલ ગાંધીની હાજરીમાં કોંગ્રેસનું સભ્યપદ સ્વિકારી લીધું. રાહુલ ગાંધીએ પણ મોટે ઉપાડે કહી દીધું કે હાર્દિક ચૂંટણી લડશે અને જીતશે પણ ખરો! રાહુલ ગાંધીની આ વાત સાંભળીને પ્રદેશ કોંગ્રેસના નેતાઓ જરૂર મૂંછમાં હસતા હશે કારણકે તેમને ખબર હતી કે એમ હાર્દિક પટેલ કાયદાની પકડમાંથી એટલો જલ્દી બહાર નથી આવવાનો.

અને થયું પણ એમ જ, હાર્દિક પટેલને વિસનગર કોર્ટે રમખાણોના કેસમાં આપેલી બે વર્ષની સજા પર ગુજરાત હાઈકોર્ટે સ્ટે આપવાની મનાઈ કરી દીધી અને કાયદા અનુસાર હાર્દિક લોકસભાની ચૂંટણી લડવાથી વંચિત રહી ગયો. દરમ્યાન હાર્દિકે છેલ્લા પ્રયાસ રૂપે સુપ્રિમ કોર્ટમાં પણ દાદ માંગી પરંતુ હાય રે કિસ્મત! સુપ્રિમ કોર્ટને હાર્દિકને ચૂંટણી લડવાની કેટલી ઉતાવળ છે તેની કોઈ ફીકર જ ન હતી એટલે તેણે બરોબર ઉમેદવારી પત્ર ભરવાના છેલ્લા દિવસે જ આગલી સુનાવણીની તારીખ આપી દીધી.

આ બધું ચાલી રહ્યું હતું એ દરમ્યાન હોળી આવી અને હાર્દિક પટેલ જ્યાંથી ચૂંટણી લડવાનો હતો તે જામનગરમાં જ તેનો જાહેર વિરોધ થયો અને તેના કાર્યક્રમમાં તેની સામે મોદી મોદીના નારા લાગ્યા. એક ટીવી ચેનલને ઇન્ટરવ્યુ આપવા હાર્દિક અમદાવાદના જાહેર બગીચામાં ગયો તો તેને વોક કરવા આવનારા સામાન્ય નાગરિકોએ પણ ન છોડ્યો અને તેને બરોબરનો ઝાડી નાખ્યો.

આ બધાથી કોંગ્રેસને કોઈજ ફરક પડવાનો નથી. છેવટે થાકી હારીને હાર્દિકે જાહેર કર્યું કે તે હવે કોંગ્રેસ વતી પ્રચાર કરશે, જાણેકે તેની સામે અસંખ્ય વિકલ્પો પડ્યા હોય. હાર્દિક પટેલને જ્યાં સુધી એ હકીકતનો અહેસાસ નહીં થાય કે તે કોંગ્રેસ માટે રમવાનું એક રમકડું છે ત્યાં સુધી તે કોંગ્રેસની મફતમાં સેવા કરતો જ રહેશે. હા અગાઉ તેને કોંગ્રેસે ઘણું આપ્યું પણ હવે સવર્ણોમાં નબળું આર્થિક સ્તર ધરાવતા લોકોને મોદી સરકારે શિક્ષણ અને સરકારી નોકરીમાં 10% બ્લેન્કેટ અનામત આપીને હાર્દિકના અનામત આંદોલનની હવા કાઢી નાખી છે અને આથી કોંગ્રેસને હવે તેની દેખીતી જરૂર નથી.

પણ આ તો શું છે કે એક નબળી અને ડૂબકાં ખાતી પાર્ટીને ગમે ત્યાંથી વિનામૂલ્યે સમર્થન મળી જાય તો શો વાંધો એ ન્યાયે કોંગ્રેસ હાર્દિકને હજી પણ બોલવા માટે મંચ પૂરો પાડી રહી છે અને ત્યાં સુધી પાડતી રહેશે જ્યાં સુધી તે હાર્દિક પટેલનો સંપૂર્ણ ઉપયોગ નહીં કરી લે.