Featured|ગુજરાતગુજરાત

શું કોંગ્રેસ પાસે ઉમેદવારો ખૂટ્યા છે કે ધાનાણીને અમરેલીથી ઉતાર્યા?

શું કોંગ્રેસ માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી લોખંડનો ભંગાર છે?

ગુજરાતભરમાં ઉમેદવારી પત્રો ભરવા માટે હવે માત્ર બે જ દિવસો બાકી છે. એવામાં કોંગ્રેસ પાર્ટી પક્ષ છોડીને જતા રહેલા આગેવાનો તેમજ અસંતોષની જ્વાળાથી સતત તકલીફમાં છે. આવા સમયમાં કોંગ્રેસ એના માટે કોઈ સેઈફ સીટ હશે કે કેમ એવો તો વિચાર કરી જ ન શકે, પરંતુ તે અત્યારે એવી કોશિશમાં છે કે કશું ન થાય તો છેવટે છાપેલા કાટલાં  જેવા ઉમેદવારો ઉભા કરીને પોતાનું કામ પતાવી દેવું કારણકે તેને 26માંથી એક પણ બેઠક માટે કોઈ યોગ્ય ઉમેદવાર નથી મળી રહ્યો.

કોંગ્રેસની આ જ મજબૂરીને લીધે તેણે અમરેલીથી ગુજરાત વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીને ટીકીટ આપી છે. પરેશ ધાનાણીને લોકસભા માટે ટીકીટ આપવી એ કોંગ્રેસની મજબૂરી અને હતાશા કેમ દર્શાવે છે તે જાણવા આપણે અમરેલી લોકસભા વિસ્તારના કોંગ્રેસ પક્ષમાં છેલ્લા કેટલાક સમયમાં પ્રવર્તી રહેલી પરિસ્થિતિનો તાગ મેળવવો જોઈએ.

હજી થોડા જ દિવસો અગાઉ કોંગ્રેસના સો થી પણ વધુ કાર્યકર્તાઓએ તેમના સાથી કાર્યકરને કોંગ્રેસમાંથી કાઢી મુકવાથી ગુસ્સે થઈને પક્ષમાંથી રાજીનામું આપી દીધું હતું. આ ઉપરાંત અમરેલીની આ જ બેઠક પરથી લડવા માટે કોંગ્રેસના ઘણાબધા આગેવાનો ટીકીટની ઈચ્છા ધરાવતા હતા અને એકબીજા સાથે ટાંટિયાખેંચ ચલાવી રહ્યા હતા. હવે જ્યારે પરેશ ધાનાણીને ટીકીટ આપી જ દેવાઈ છે ત્યારે અમરેલી કોંગ્રેસમાં એ ટીકીટ વાન્છુઓ તરફથી વિદ્રોહ થવાની પૂરેપૂરી શક્યતાઓ છે.

આ ઉપરાંત પરેશ ધાનાણીના વિપક્ષના નેતા બન્યા બાદ ઘણા બધા વરિષ્ઠ કોંગ્રેસી આગેવાનો પક્ષ છોડી ચૂક્યા છે જેમાં કોંગ્રેસની ખરાબ હાલત માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા ઉપરાંત પરેશ ધાનાણીને પણ જવાબદાર ગણવામાં આવ્યા હતા. તો શું આપણે એમ માની લઈએ કે ધાનાણીના વિપક્ષી નેતા બન્યા બાદ તેમના વલણને લીધે જે મોટી સંખ્યામાં તેમનાથી રોષે ભરાઈને સમગ્ર ગુજરાતમાંથી  કોંગ્રેસી આગેવાનો પક્ષ છોડીને જતા રહ્યા છે તેમના ઇનામરૂપે તેમને લોકસભાની ટીકીટ આપવામાં આવી છે?

કે પછી પરેશ ધાનાણી ગુજરાત વિધાનસભામાં વિપક્ષી નેતાની ફરજ બજાવવામાં ઉણા ઉતરતા એમને લોકસભાની ટીકીટ આપીને જ્યારે અમરેલીથી તેમની હાર થાય ત્યારે તેમને તેમના કદ પ્રમાણે વેતરી નાખવાની કોંગ્રેસની એજ જૂની અને જાણીતી યોજનાની અમલવારી છે?