Featured|દેશFeatured|ગુજરાતગુજરાત

કોંગ્રેસનો પાટણ પ્રોબ્લેમ શાંત થવાનું નામ નથી લેતો; 5 રાજીનામાં પડયા

કોંગ્રેસનો પાટણ પ્રોબ્લેમ શાંત થવાનું નામ નથી લેતો; 5 રાજીનામાં પડયા

ખબર નહીં કે કોંગ્રેસે કયા મુહૂર્તમાં પાટણ બેઠક માટે ઉમેદવારો નક્કી કરવાની પ્રકિયા શરુ કરી છે કે તેનો પ્રોબ્લેમ પૂરો થવાનું નામ જ નથી લેતો. કોંગ્રેસે આ બેઠક માટે જગદીશ ઠાકોરનું નામ લગભગ નક્કી કરી દીધું હતું પરંતુ હાર્દિક પટેલને ટીકીટ આપવાનો કોંગ્રેસનો ઉત્સાહ જોઇને ઠાકોર નેતા અલ્પેશ ઠાકોરે પણ આ બેઠક પર પોતાનો દાવો ઠોકી દીધો હતો.

ત્યારબાદ જેમતેમ કરીને કોંગ્રેસે અલ્પેશ ઠાકોરને સાબરકાંઠાની લોલીપોપ પકડાવીને શાંત કર્યા હતા, જોકે હજી સુધી સાબરકાંઠા પર અલ્પેશને ટીકીટ મળશે કે કેમ એ નક્કી નથી. અલ્પેશ ઠાકોરનું ધ્યાન અહીંતહીં થતા જ કોંગ્રેસે પાટણ પર જગદીશ ઠાકોરનું નામ જાહેર કરી દીધું હતું. પરંતુ કોંગ્રેસનો આ નિર્ણય પાટણના સ્થાનિક કાર્યકરો તેમજ પૂર્વ વિધાનસભ્યોને ગમ્યો હોય એવું લાગતું નથી.

કોંગ્રેસ દ્વારા જગદીશ ઠાકોરનું નામ જાહેર થતા જ તેના ત્રણ પૂર્વ ધારાસભ્યો કાંકરેજના ધારસિંહ ઠાકોર, વાગડોદના ચમનજી ઠાકોર પાટણના જોધાજી ઠાકોર તેમજ પાટણ જીલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ અભુજી ઠાકોર અને પ્રદેશ મહામંત્રી પોપટજી ઠાકોરે કોંગ્રેસમાંથી પોતપોતાના રાજીનામાં આપી દીધા છે.

આ તમામની માંગ પહેલેથી જ હતી કે પાટણ બેઠક પર કોંગ્રેસની ટીકીટ પર સ્થાનિક ઉમેદવારને જ ટીકીટ આપવામાં આવે. રાજીનામાં આપ્યાં બાદ આ પાંચેય પૂર્વ કોંગ્રેસી આગેવાનોએ અપક્ષ ઉમેદવાર તરીકેના ફોર્મ પણ લઇ લીધા છે. આમ પાટણનો પ્રોબ્લેમ જગદીશ ઠાકોર અને કોંગ્રેસ માટે ભવિષ્યમાં બહુ મોટું રૂપ લઇ શકે તેમ હોવાનું અત્યારથી જ લાગી રહ્યું છે.