Featured|દેશદેશબીઝનેસ

આજે 39,000 પાર કરી ગયેલા સેન્સેક્સે કર્યો સંકેત; ‘અબકી બાર ફિરસે….’

આજે 39,000 પાર કરી ગયેલા સેન્સેક્સે કર્યો સંકેત; ‘અબકી બાર ફિરસે....’

શેરબજાર પર આર્થિક વલણો ઉપરાંત દેશવિદેશના રાજકીય વાતાવરણો પણ અસર કરતા હોય છે. છેક અમેરિકામાં કોઈ રાજકીય હલચલ થાય તો ભારતના મુંબઈ સ્ટોક એક્સચેન્જ પર પણ તેની સીધી અસર જોવા મળે છે. તો ભારતમાં જ્યારે લોકસભાની ચૂંટણી આવવાની હોય ત્યારે શેર બજારના ધબકારા ઘણા મોટા સંકેત આપી જતા હોય છે.

આજે સવારે બોમ્બે સ્ટોક એક્સચેન્જ ખુલતાની સાથે જ 350 પોઈન્ટ્સ ઉપર ગયું હતું અને તેના ઇતિહાસમાં પહેલીવાર 39,000ના આંકડાને પણ પાર કરી ગયો હતો. નિફ્ટી પણ 91 પોઈન્ટ્સ ઉપર એટલેકે 11,700ના આંક ઉપર ચાલ્યો ગયો હતો.

શેરબજારના નિષ્ણાતોનું માનવું છે કે શેરબજાર છેલ્લા ઘણા અઠવાડિયાથી, ખાસકરીને લોકસભાની ચૂંટણી જાહેર થઇ તેના બીજા જ દિવસથી સતત ઉપર જઈ રહ્યો છે અને આજે તો તેણે નવો વિક્રમ સ્થાપિત કરી દીધો છે. સામાન્યતઃ જ્યારે લોકસભાની ચૂંટણી માથે હોય ત્યારે દેશી વિદેશી બંને રોકાણકારો સંભાળીને રોકાણ કરતા હોય છે કારણકે ચૂંટણી બાદ જો નવી સરકાર આવે તો તેની આર્થિક નીતિ બજારને અનુરૂપ હશે કે નહીં તે કળવું મુશ્કેલ હોય છે.

પરંતુ અત્યારનું શેરબજારનું વલણ અને તેની તેજી એક જ સંકેત કરે છે કે વ્યાપારીઓ તેમજ ઉદ્યોગોને ઉપરાંત દેશી અને ખાસકરીને વિદેશી રોકાણકારો હાલની નરેન્દ્ર મોદીના નેતૃત્ત્વ હેઠળની NDA સરકારની આર્થિક નીતિઓથી ખુશ છે અને એવી મજબૂત આશા રાખી રહ્યા છે કે આવનારી ચૂંટણીઓ બાદ નરેન્દ્ર મોદી ફરીથી દેશના વડાપ્રધાન બનશે અને તેમણે 2014થી શરુ કરેલી આર્થિક વિકાસયાત્રાને તેઓ પોતાની બીજી ટર્મમાં વધુ ગતિ આપશે.