Featured|દેશદેશ

અમેઠીના કોંગ્રેસ કાર્યકર્તાઓને પણ ખબર છે કે રાહુલ હારે છે: સ્મૃતિ ઈરાની

અમેઠીમાં રાહુલ માટે આ વખતે કેમ કપરાં ચઢાણ?

એક ટીવી ન્યૂઝ ચેનલ દ્વારા આવનારી લોકસભાની ચૂંટણીને લક્ષ્યમાં લઈને આયોજીત એક કાર્યક્રમમાં કેન્દ્રીય કપડા મંત્રી અને ઉત્તર પ્રદેશની અમેઠી લોકસભા બેઠક પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્મૃતિ ઈરાનીએ નિખાલસ ચર્ચા કરી હતી.

સ્મૃતિ ઈરાની એ કહ્યું હતું કે ગયા વખતે અમેઠીના એક ગામે વિકાસ ન થવાને લીધે મતદાનનો બહિષ્કાર કર્યો હતો. આ સમયે તેમને મેં કહ્યું હતું કે તમે આ વખતે મત ન આપો તો તમારી મરજી છે પરંતુ હું અહીં જ કામ કરીશ અને પરત આવીશ. આજે એ જ ગામમાં વડાપ્રધાન મોદી અને મુખ્યમંત્રી યોગીને લીધે લોકોનો સરકાર પર વિશ્વાસ કાયમ થયો છે.

તેમણે કહ્યું કે વડાપ્રધાન અને મારી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ કાયમ કહે છે કે અમારી લડાઈ ગરીબી વિરુદ્ધ અને વિકાસ તરફી છે અને અમેઠીમાં તો હાલત સહુથી ખરાબ છે.

રાહુલ ગાંધીએ ગઈકાલે કેરળની વાયનાડ બેઠક પરથી પણ ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી. અમેઠીમાં પણ રાહુલ ગાંધી જ સંસદ સભ્ય છે અને તેમની સામે સ્મૃતિ ઈરાની લડી રહ્યા છે. આ અંગે સ્મૃતિ ઈરાનીએ કહ્યું હતું કે અમેઠીના કોંગ્રેસ કાર્યકર્તાઓએ જ રાહુલ ગાંધીને બીજી બેઠક શોધવાનું લિખિતમાં કહ્યું હતું અને તેથી જ રાહુલે બીજી બેઠક શોધી છે. જનતા જાણે છે કે તેમનો સાંસદ તેમના કયા મુદ્દાઓને સંસદમાં ઉઠાવે છે. પરંતુ અમેઠીનો સાંસદ તો લોકસભામાં આંખ મારતો હોય છે.

26/11 ના હુમલા બાદ રાહુલ ગાંધી ચૂપ રહ્યા હતા પરંતુ નરેન્દ્ર મોદી સરકારે દરેક મોટા હુમલા બાદ સર્જીકલ સ્ટ્રાઈક અને એર સ્ટ્રાઈક દ્વારા વળતો જવાબ આપ્યો છે. લોકો આ આવેલા પરિવર્તનને જોઈ રહ્યા છે.