Featured|દેશFeatured|ગુજરાતગુજરાત

છોટુભાઈ વસાવાની મોટી જાહેરાત; અહમદ પટેલનું શું થશે?

ગુજરાતમાં કોંગ્રેસને મોટો આઘાત, છોટુભાઈ વસાવા નારાજ

છોટુભાઈ વસાવા જે પોતાના BTP પક્ષ તરફથી ઝઘડિયાથી ધારાસભ્ય છે તેમણે ગઈકાલે એક મહત્ત્વની ઘોષણા કરી છે. છોટુભાઈ વસાવાએ જાહેરાત કરતા કહ્યું છે કે તેઓ આવનારી 3 એપ્રિલે ભરૂચ લોકસભા બેઠક પરથી ચૂંટણી લડવા માટે પોતાનું ઉમેદવારી પત્ર ભરશે. ભરૂચ પરંપરાગત રીતે ભારતીય જનતા પાર્ટીની બેઠક રહી છે.

છોટુભાઈ વસાવાની આ જાહેરાતથી મોટું નુકશાન કોંગ્રેસને જશે કારણકે અત્યારસુધી છોટુભાઈનો પક્ષ કોંગ્રેસ સાથે રહ્યો છે. જો કે ગયા મહીને જ છોટુભાઈ વસાવાએ જાહેરાત કરી હતી કે તેઓ ગુજરાતની તમામ 26 બેઠકો પર પોતાના પક્ષના ઉમેદવારો ઉભા રાખશે. પરંતુ તેમ છતાં એવું લાગી રહ્યું હતું કે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહમદ પટેલ સાથે અંગત સંબંધોને લીધે કદાચ છોટુભાઈ ભરૂચની બેઠક છોડી દેશે.

આ દરમ્યાન ગઈકાલે આખો દિવસ ભરૂચ પરથી અહમદ પટેલ ઉમેદવારી ફોર્મ ભરે તેવી અટકળો ચાલી રહી હતી. હવે જ્યારે છોટુભાઈ વસાવાએ પોતેજ ભરૂચ પર લડવાની વાત કરી છે ત્યારે અહમદ પટેલ શું કરશે તે પ્રશ્ન પૂછવામાં આવી રહ્યો છે. છોટુભાઈની હાજરીથી અહમદ પટેલની હાર સુનિશ્ચિત થઇ જશે એ પાક્કું છે. તો શું વર્ષો બાદ લોકસભાની ચૂંટણી લડવાની અહમદ પટેલની ઈચ્છા મનમાં જ રહી જશે?