Featured|ગુજરાતગુજરાત

કોંગ્રેસનું અલ્પેશ ઠાકોર મનાઓ અભિયાન ક્યાંક બીજું ભંગાણ ન નોતરે

276views

ગુજરાત કોંગ્રેસમાંથી આગેવાનોના મોટી સંખ્યામાં ભાજપમાં જોડાવા ઉપરાંત કઈ બેઠક પર કોણ લડશે એ નિર્ણય કરવામાં પણ કોંગ્રેસને તકલીફ પડી રહી છે. પહેલા ચૂંટણી લડવાની જીદ કરીને અલ્પેશ ઠાકોરે પોતે કોંગ્રેસ છોડી શકે છે તેવી રમત રમી હતી. ત્યારબાદ તેમને ગુજરાત કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ દ્વારા મનાવી લેવામાં આવતા તેમને ચૂંટણી લડવામાં કોઈજ રસ ન હોવાનું તેમણે એક ખુલ્લી પત્રકાર પરીષદમાં કહ્યું હતું.

પરંતુ જ્યારે પાટણ બેઠક પર કોંગ્રેસે જગદીશ ઠાકોરને ઉભા રાખવાનું લગભગ નક્કી કરી દીધું ત્યારે અલ્પેશ ઠાકોરને પોતાની ભૂલ સમજાઈ હતી. આ ઉપરાંત કોંગ્રેસ સામેચાલીને જામનગરથી હાર્દિક પટેલને ટીકીટ આપવાનું કહી ચૂકી હતી. આમ મળેલી તક જવા ન દેવાના ભાગરૂપે અલ્પેશ ઠાકોરે પોતાની ઠાકોર સેનાના વિવિધ આગેવાનો દ્વારા નિવેદનો અપાવીને કોંગ્રેસ મોવડી મંડળ પર પ્રેશર ઉભું કરાવ્યું હતું.

હવે કોંગ્રેસ અલ્પેશ ઠાકોરને ગમે તે રીતે મનાવવા માટે તૈયાર હોય એવું લાગી રહ્યું છે કારણકે અલ્પેશ ઠાકોર પોતાની ટીકીટ માટે  હાલ દિલ્હીમાં છે. જાણવા મળ્યા અનુસાર અલ્પેશ ઠાકોરને કોંગ્રેસ હવે સાબરકાંઠા બેઠક પરથી ટીકીટ આપીને મનાવી લેશે. જો કે અલ્પેશ આ માટે તૈયાર છે કે કેમ તેની હજી જાણ થઇ નથી.

કોંગ્રેસ માટે એક બીજું ભયસ્થાન એ પણ છે કે જો અલ્પેશ ઠાકોરને મજબૂરીમાં પણ સાબરકાંઠાની ટીકીટ આપી દેવામાં આવે તો સાબરકાંઠાના આગેવાનો ભડકી શકે તેમ છે. જો આમ થશે તો  કોંગ્રેસ માટે સાબરકાંઠાના સ્થાનિક આગેવાનો અને કાર્યકર્તાઓને સંભાળવા મુશ્કેલ થઇ પડશે. આમ અલ્પેશ ઠાકોરને ગમે તે રીતે મનાવવાના પ્રયાસો પણ છેવટે તો કોંગ્રેસમાં જ બીજા અનેક ભંગાણો નોતરી શકે તેમ છે.