Featured|ગુજરાતગુજરાત

ભાજપનો માસ્ટરસ્ટ્રોક: શામજી ચૌહાણ ભાજપમાં; રાજકોટ કોંગ્રેસમાં ઉકળતો ચરુ

કોંગ્રેસ અને અમિત ચાવડાએ મારી સાથે દગો કર્યો: શામજી ચૌહાણ

બે  દિવસ અગાઉ કોંગ્રેસ છોડવાનું એલાન કરનાર ચોટીલાના પૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસના નેતા શામજી ચૌહાણ આજે વિધિવતરીતે ભાજપમાં જોડાઈ ગયા હતા. શામજી ચૌહાણ મુખ્યમંત્રી વિજય રૂપાણીની હાજરીમાં ભાજપમાં જોડાયા હતા.

શામજી ચૌહાણે ગુરુવારે જ કહ્યું હતું કે સુરેન્દ્રનગરની લોકસભા બેઠકની ટીકીટ કોંગ્રેસે તેમને આપવાનું વચન આપ્યું હતું પરંતુ કોંગ્રેસે તેનું વચન પાળ્યું નથી. શામજી ચૌહાણના ભાજપમાં જોડાયા બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણી એ કહ્યું હતું કે શામજી ચૌહાણ કોળી આગેવાન હોવા ઉપરાંત પૂર્વ ધારાસભ્ય અને સંસદીય સચિવ છે અને એમણે કોળી સમાજ માટે ઘણું કર્યું છે. અમે તેમના ભાજપ પ્રવેશને આવકારીએ છીએ.

ચોટીલાથી ભાજપના જ ધારાસભ્ય રહેલા શામજી ચૌહાણે કહ્યું હતું કે વિધાનસભાની ચૂંટણીમાં મને દુઃખ થતા હું કોંગ્રેસમાં ગયો હતો પરંતુ હું મુખ્યમંત્રીને મળ્યો અને તેમનો પ્રેમભાવ જોઇને મને થયું કે મારે ઘરવાપસી કરવી જોઈએ.

એક તરફ ભાજપના જૂના નેતાઓ પક્ષમાં પરત ફરી રહ્યા છે તો કોંગ્રેસના હાલના નેતાઓ તેને છોડી જવાની તૈયારીમાં છે. રાજકોટ જીલ્લામાં જ આવેલી લોધિકા તાલુકા પંચાયતના ત્રણ હોદ્દેદારો ભાજપમાં જોડાઈ ગયા છે. પ્રમુખ હરિચંદ્રસિંહ જાડેજા, ઉપપ્રમુખ ઉમેશ પાંભર સહીત અનેક કોંગ્રેસી સભ્યો ભાજપમાં જોડાયા છે. આ તમામ મુખ્યમંત્રી વિજય રૂપાણીની હાજરીમાં ગુજરાત ભાજપના મુખ્યમથક શ્રી કમલમમાં ભાજપમાં જોડાયા હતા.

આમ એક તરફ કોંગ્રેસ લોકસભાની બેઠકો માટે ઉમેદવારો શોધી નથી શકતી તો બીજી તરફ તેના જ સભ્યો પક્ષ છોડીને ભાજપમાં જોડાઈ રહ્યા છે.