Featured|દેશદેશ

હૈદરાબાદની નિઝામાબાદ બેઠક પર થશે કૌતુક; EVM નહીં પરંતુ બેલેટ પેપર!

હૈદરાબાદની નિઝામાબાદ બેઠક પર થશે કૌતુક; EVM નહીં પરંતુ બેલેટ પેપર!

રાજકીય પાર્ટીઓમાં EVM કે પછી બેલેટ પેપરથી મતદાન યોગ્ય રહેશે તેની લડાઈ બારેમાસ ચાલુ રહેતી હોય છે. પરંતુ આવનારી લોકસભાની ચૂંટણીઓમાં નિઝામાબાદ જે તેલંગાણાના હૈદરાબાદમાં આવેલું છે ત્યાં ચૂંટણી પંચે EVM નહીં પરંતુ બેલેટ પેપરથી જ મતદાન કરાવવું પડે તેવી સ્થિતિ ઉભી થઇ છે. આ પાછળનું કારણ એ છે કે અહીં કુલ 185 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. રસપ્રદ વાત એ છે કે આ 185 ઉમેદવારોમાંથી 178 ઉમેદવાર ખેડૂતો છે.

આવું એટલા માટે બન્યું છે કે સત્તાધારી તેલંગાણા રાષ્ટ્ર સમિતિના અધ્યક્ષ કે ચંદ્રશેખર રાવની પુત્રી કે કવિતા અહીંથી ચૂંટણી લડી રહી છે અને કિસાનોએ તેલંગાણા સરકારની ખેડૂત વિરોધી નીતિનો વિરોધ કરવા મોટી સંખ્યામાં ઉમેદવારી કરી છે. આમ તો ખેડૂતોએ એક હજારથી પણ વધુ ઉમેદવારી પત્રો ભરવાની યોજના બનાવી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર એક EVMમાં વધુમાં વધુ 16 ઉમેદવારોના નામ નોંધી શકાય છે. અને એક કન્ટ્રોલ યુનિટ આવા 4 EVMનો રેકોર્ડ નોંધી શકે છે. આથી એક કંટ્રોલ યુનિટથી વધુમાં વધુ 64 ઉમેદવારોના નામ નોંધી શકાય છે. હવે, 185 ઉમેદવારોને સામેલ કરવા માટે મોટી સંખ્યામાં EVMની જરૂર પડે અને એ પણ સમગ્ર લોકસભા વિસ્તારના તમામ મતદાન મથકો પર. આમ ચૂંટણી પંચ પાસે નિઝામાબાદની બેઠક પર બેલેટ પેપરથી ચૂંટણી કરાવવા સિવાય અન્ય કોઈજ માર્ગ બચ્યો ન હતો.