Featured|દેશદેશ

બીજી બધી યોજનાઓ બંધ કરો પછી વર્ષે 72 હજાર આપો: પૂર્વ RBI ગવર્નર

બીજી બધી યોજનાઓ બંધ કરો પછી વર્ષે 72 હજાર આપો: પૂર્વ RBI ગવર્નર

થોડા દિવસ અગાઉ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ જો આવનારી લોકસભાની ચૂંટણીઓમાં કોંગ્રેસ જીતીને આગલી સરકાર બનાવશે તો તે ભારતના દરેક ગરીબ પરિવારને વર્ષે 72,000 રૂપિયા બેરોજગારી ભથ્થું આપવાનું વચન આપ્યું હતું.

રાહુલ ગાંધીની આ જાહેરાતની પ્રતિક્રિયા આપતા ભારતીય રિઝર્વ બેન્કના પૂર્વ ગવર્નર વાય વી રેડ્ડીએ જણાવ્યું હતું કે રાહુલ ગાંધીની આ જાહેરાતનો અમલ ત્યારેજ શક્ય છે જ્યારે સરકાર અન્ય કલ્યાણકારી યોજનાઓ યા તો બંધ કરી દે અથવાતો તેના ખર્ચમાં ઘટાડો કરે. રેડ્ડીએ આગળ કહ્યું હતું કે જો રાજકોષીય નુકસાન સહન કરવાની તૈયારી હોય તો જ આ યોજના લાગુ પાડી શકાય તેમ છે.

વાય વી રેડ્ડીએ આ યોજનાની એક ખામી પર પણ ધ્યાન દોરતા કહ્યું હતું કે આ યોજનાનો અમલ કરવાની સંપૂર્ણ જવાબદારી કેન્દ્ર પર આવી જશે કારણકે રાજ્ય સરકાર પાસે બજેટ ઓછું હોય છે અને આથી તેમના માટે આ યોજના અમલમાં મુકવી મુશ્કેલ બનશે. જો રાજ્ય સરકારે પોતાની રીતે આ યોજના અમલમાં મુકશે તો તેમણે પોતાના બજેટની મર્યાદામાં રહીને જ તેનો અમલ કરવો પડશે જે શક્ય નથી કારણકે રાજ્ય સરકાર અન્ય કલ્યાણકારી યોજનાઓ પાછળ પણ ખર્ચ કરતી હોય છે.

તો શું રાજ્ય અને કેન્દ્ર સરકારો ભેગામળીને આ યોજના લાગુ ન કરી શકે? આ સવાલના જવાબમાં રેડ્ડીએ કહ્યું હતું કે તેનાથી તેના અમલીકરણમાં ગૂંચવાડો વધી જશે જે છેવટે આ યોજના માટે જ તકલીફ આપનારો બની રહેશે.