Featured|દેશદેશ

રુદ્રપુરમાં ફક્ત મોદીને સાંભળવા લોકોએ 300 કિમીનો પ્રવાસ કર્યો

રુદ્રપુરમાં ફક્ત મોદીને સાંભળવા લોકોએ 300 કિમીનો પ્રવાસ કર્યો

ગઈકાલે ઉત્તરાખંડના રુદ્રપુરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિજય શંખનાદ રેલી હતી. આ રેલીમાં માત્ર વડાપ્રધાન મોદીને સાંભળવા માટે લોકો નૈનીતાલ, ઉધમસિંગ નગર અને પૌડી ગઢવાલ જેવા 300 કિમી દૂર જેટલા સ્થળોથી પણ ખાસ આવ્યા હતા. અત્રે એ નોંધવું જરૂરી છે કે ગયા મહીને પુલવામા હુમલાના દિવસે જ વડાપ્રધાન મોદી અહીં એક રેલીને સંબોધન કરવાના હતા, પરંતુ પુલવામાં હુમલાના સમાચર મળ્યા કે તેમણે મોબાઈલ ફોનથી માત્ર દસ મિનીટ સભા સંબોધી અને દિલ્હી રવાના થઇ ગયા હતા.

પરંતુ વડાપ્રધાનને તે દિવસે સાંભળી ન શકવાને લીધે ગઈકાલે લોકોએ જાણેકે નક્કી કરી લીધું હતું કે આજે તો તેમને મોદીને સાંભળવા જ છે એ રીતે તેમણે ગરમી અને ધૂળની આંધીની પણ પરવા કરી ન હતી. અહીં આવેલા લોકોએ જગ્યા ન મળતા પોલીસની બેરીકેટ પર પણ ચડવાનું પસંદ કર્યું હતું. કેટલાક લોકો કહી રહ્યા હતા કે મોદી ખરેખર જનતાના હમદર્દ છે અને આથી જ તેઓ તેમને સાંભળવા આટલી દૂરથી આવ્યા છે.

તો કેટલાક લોકોએ જણાવ્યું હતું કે તેઓ તો આગલે દિવસે જ રુદ્રપુર પહોંચી ગયા હતા જેથી તેમને સભા સ્થળે પહોંચવામાં કોઈ તકલીફ ન પડે. વડાપ્રધાન મોદી પણ રુદ્રપુરના લોકોનો મૂડ પારખી ગયા હતા અને એમણે ચાર વખત મૈ ભી ચૌકીદારનું સૂત્ર બોલાવડાવ્યું હતું.

વડાપ્રધાને જણાવ્યું હતું કે આ ચોકીદાર ડરવાનો નથી. મેં તમને એક મહિના અગાઉ જ ફરીવાર આવવાનો વાયદો કર્યો હતો અને મોદી પોતાના વચનનો પાક્કો છે. તેમણે લોકોને યાદ દેવડાવ્યું હતું કે સર્જીકલ સ્ટ્રાઈક અને એરસ્ટ્રાઈક બાદ વિપક્ષોએ સેના પર સવાલ ઉઠાવ્યા હતા, તેમને અપશબ્દો કહ્યા હતા. વડાપ્રધાને સવાલ કર્યો હતો કે પાકિસ્તાનમાં હીરો બનવાના ચક્કરમાં શું દેશને અપશબ્દો કહેવા યોગ્ય ગણાય?