Featured|ગુજરાતગુજરાત

ટીકીટ વહેંચણીના મામલે બારડોલી અને રાજકોટ કોંગ્રેસમાં કમઠાણ

ટીકીટ વહેંચણીના મામલે બારડોલી અને રાજકોટ કોંગ્રેસમાં કમઠાણ

રાજ્યભરમાં આવનારી લોકસભાની તમામ બેઠકો માટે ઉમેદવારી પત્રો ભરવાના શરુ થઇ ગયા છે પરંતુ કોંગ્રેસ પક્ષ તરફથી હજી પણ ઘણી બેઠકો પર ઉમેદવારોના નામ જાહેર કરવામાં નથી આવ્યા. આ બેઠકોમાંથી મહત્ત્વની બેઠકો કહેવાય એવી  બારડોલી, માંડવી અને રાજકોટમાં કોંગ્રેસનો અસંતોષ સામે આવ્યો છે.

બારડોલીમાં ભૂતપૂર્વ મુખ્યમંત્રી અમરસિંહ ચોધરીના પુત્ર તુષાર ચોધરીને કોંગ્રેસે ટીકીટ આપવાનું કહ્યું હતું, પરંતુ ગઈકાલે જ્યારે ઉમેદવારોની યાદી જાહેર થઇ ત્યારે તેમાંથી તુષાર ચોધરીનું નામ ગાયબ હતું. મૂંઝવણમાં મુકાયેલા તુષાર ચોધરીએ ગાંધીનગર તેમજ દિલ્હી સંપર્ક કરવાનું શરુ કરી દીધું હતું. પરંતુ કોંગ્રેસ પાર્ટી તરફથી બારડોલી બેઠક પર તેમના કે કોઈ અન્ય નામનો ફોડ પાડવામાં આવ્યો ન હતો. આમ તુષાર ચોધરી માટે હજી પણ માથે તલવાર લટકી રહી છે.

આમ થવા પાછળનું કારણ એ છે કે માંડવી બેઠક પર કોંગ્રેસના હાલના ધારાસભ્ય આનંદ ચોધરીએ પણ બારડોલીની ટીકીટ માંગી હતી. પરંતુ તુષાર ચોધરીની ટીકીટ પાક્કી જણાતા આનંદ ચોધરીએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દેવાની ધમકી ઉચ્ચારી હતી. પરિણામે ગુજરાત કોંગ્રેસ નેતાગીરી ટેન્શનમાં આવી ગઈ હતી અને તુષાર ચોધરીના નામની જાહેરાત બાકી રાખી હતી.

તો બીજી તરફ રાજકોટ બેઠક પરથી પૂર્વ પાસ કન્વીનર લલિત કાગથરાના નામની ઘોષણા થવાની સાથે જ રાજકોટ કોંગ્રેસમાં ભડકો થયો છે. રાજકોટ કોંગ્રેસના અધ્યક્ષ ખુદ નારાજ થયા હોવાનું જાણવા મળી રહ્યું છે.