Featured|દેશદેશ

જ્યારે મેં ASAT કહ્યું ત્યારે કેટલાક લોકો તેને થિયેટરનો સેટ સમજી બેઠા: મોદી

જ્યારે મેં ASAT કહ્યું ત્યારે કેટલાક લોકો તેને થિયેટરનો સેટ સમજી બેઠા: મોદી

ગઈકાલે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતે અવકાશમાં રહેલા લાઈવ સેટેલાઈટને ASAT મિસાઈલ દ્વારા તોડી પાડવામાં આવ્યો હોવાની જાહેરાત કરી હતી ત્યારે તેમની મજાક ઉડાવતા કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ આ સફળ પરીક્ષણ માટે DRDOને તો અભિનંદન આપ્યા હતા પરંતુ વડાપ્રધાન મોદીને વર્લ્ડ થિયેટર ડે માટે અભિનંદન આપ્યા હતા.

આજે ઉત્તર પ્રદેશના મેરઠમાં આવનારી લોકસભાની ચૂંટણીઓ માટે પોતાના પ્રચારના ઓફિશિયલી શ્રીગણેશ કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાહુલ ગાંધીની ગઈકાલની મજાક પર પલટવાર કર્યો હતો. તેમણે કહ્યું હતું કે જ્યારે મેં મારા ગઈકાલના સંબોધનમાં ASAT શબ્દ એટલેકે એન્ટી મિસાઈલ શબ્દનો ઉપયોગ કર્યો ત્યારે કેટલાક લોકો તેને થિયેટરનો સેટ સમજી બેઠા હતા.

વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે આ અબુધ લોકો વારેવારે નાટક જોવા જતા હોય છે અને નાટકના સ્ટેજ પર સેટ હોય છે અને આથી જ તેઓ ભારતની નવી મિસાઈલ ક્ષમતાને પણ નાટકનો સેટ જ સમજી બેઠા હતા. આવા બુદ્ધિમાન વ્યક્તિઓ માટે આપણે રડીએ કે પછી હસીએ કારણકે તેમને એન્ટી સેટેલાઈટ મિસાઈલ અંગે કોઈ જ્ઞાન જ નથી.

વડાપ્રધાન મોદીએ આગળ કહ્યું હતું કે આજે હું મારા પાંચ વર્ષનો હિસાબ આપવા આવ્યો છું અને અન્યોના 60 વર્ષનો હિસાબ માંગવા આવ્યો છું. તેમણે કહ્યું હતું કે એક તરફ વિકાસની યોજના છે તેનો અમલ કરવાની નીતિ છે તો બીજી તરફ તેની અવગણના કરનારા લોકો છે.