Featured|દેશદેશ

મિશન શક્તિની સફળતાથી પાકિસ્તાન અને ચીનના પેટમાં ફાળ પડી છે

મિશન શક્તિની સફળતાથી પાકિસ્તાન અને ચીનના પેટમાં ફાળ પડી છે

ગઈકાલે ભારતે જમીનથી અંતરીક્ષમાં ASAT મિસાઈલ છોડીને એક લાઈવ સેટેલાઈટ તોડી પાડ્યો હતો. ભારત આ ક્ષમતા ધરાવનારો ચોથી દેશ બન્યો હતો. આ મિશનને મિશન શક્તિ નામ આપવામાં આવ્યું છે. મિશન શક્તિની આ સફળતા બાદ હવે ભારતના બંને પડોશી દેશો પાકિસ્તાન અને ચીનના પેટમાં ફાળ પડી છે. સહુથી મોટી તકલીફ પાકિસ્તાનને પડી છે.

પાકિસ્તાનનો અંતરીક્ષ કાર્યક્રમ ભારતથી પણ જૂનો છે પરંતુ આજદિન સુધી તેણે પોતાની રીતે એક પણ સેટેલાઈટ બનાવ્યો નથી, પ્રક્ષેપણની તો વાત જ થાય એમ નથી. અન્ય દેશોના સેટેલાઈટ પર આધારિત પાકિસ્તાને મિશન શક્તિ સફળ થયું હોવાની વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાહેરાત બાદ એક નિવેદન જારી કરતા કહ્યું છે કે, “અગાઉ જે દેશોએ આ પ્રકારના મિશનનો વિરોધ નોંધાવ્યો હતો અમને આશા છે કે તેઓ આગળ પણ તેનો વિરોધ કરતા રહેશે. અમે આંતરરાષ્ટ્રીય સ્તરે એ તમામ પગલાંઓનું સમર્થન કરીશું જે આ પ્રકારે અંતરીક્ષમાં સૈન્ય દખલનો વિરોધ કરતા હોય.”

અહીં નોંધવા જેવી બાબત એ છે કે પાકિસ્તાને ભારતનું નામ લીધા વગર પોતાનું નિવેદન આપ્યું છે. આ નિવેદન જારી કર્યા બાદ  તરત જ પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને એક હાઈ લેવલ બેઠક બોલાવી હતી જેના પરથી સાબિત થાય છે કે પાકિસ્તાન મિશન શક્તિની સફળતાથી કેટલું ગભરાઈ ગયું છે.

ચીનની પ્રતિક્રિયા જોકે પાકિસ્તાન કરતા વધુ પરિપક્વ હતી. ચીની વિદેશ મંત્રાલયે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે અમે સમાચાર જોયા છે અને અમને આશા છે કે ભવિષ્યમાં દરેક દેશ અંતરીક્ષમાં શાંતિ જાળવી રાખશે.

ચીને લગભગ એક દાયકા અગાઉ જ આ પ્રકારની શક્તિ મેળવી હતી ત્યારે તેણે આ અંગે ખૂબ ઢંઢેરો પીટ્યો હતો અને તે પણ જોરશોરથી. પરંતુ ભારતે પણ હવે તેની સમકક્ષ સ્થાન મેળવ્યું છે તેનાથી ચીનને હવે લાગે છે કે તેનો અંતરીક્ષમાં એક દાયકાથી ઊંચા રહેલા હાથનું હવે કોઈજ મહત્ત્વ રહેતું નથી અને પરિણામે તેણે આ પ્રકારની પરિપક્વ પ્રતિક્રિયા આપી છે.